ગુજરાત
News of Sunday, 13th October 2019

ભાઇપુરામાં કોંગ્રેસના બેનરો ઉતારી લેવાતાં કાર્યકરો ખફા

અમરાઇવાડી વિધાનસભા બેઠકના પ્રચારમાં વિધ્ન : દબાણ ખાતાના કર્મચારીઓ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ : કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસ મથક ઉપર ઘેરાવ

અમદાવાદ, તા.૧૨ : અમદાવાદમાં એકબાજુ વિધાનસભાની અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા ત્યારે બીજી બાજુ આજે હાટકેશ્વરના ભાઇપુરાની જોગેશ્વરી સોસાયટી વિસ્તારમાં કેટલાક રાજકીય પક્ષોના બનેરો દબાણ ખાતાએ ઉતારી લીધા હતા. જેમાં મોટાભાગના કોંગ્રેસના જ બેનરો ઉતારી લેવાયા હોવાથી સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. કોંગ્રેસના સેંકડો કાર્યકરો ત્યાં એકત્ર થઇ ગયા હતા અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે કોંગ્રેસના ૨૦૦થી વધુ કાર્યકરો અને કર્મચારીઓ વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. સરકાર અને ભાજપના ઇશારે કોંગ્રેસના બેનરો ઉતારાયા હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો અને બાદમાં આ સમગ્ર મામલે અમરાઇવાડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં કડક કાયદેસર કાર્યવાહીની માંગ સાથે અમરાઇવાડી પોલીસમથકને ઘેરાવો કરવાનો કાર્યક્રમ યોજયો હતો.

            કોંગ્રેસના કાર્યકરોના આજના દેખાવો અને સૂત્રોચ્ચારને લઇ આજે અમરાઇવાડી વિધાનસભા બેઠકના પ્રચારમાં રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ તરફથી ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અત્યારથી જ હાર ભાળી ગયેલી ભાજપે કાવતરું રચી સત્તાના જોરે આ વિસ્તારમાંથી કોંગ્રેસના બેનરો ઉતરાવવાનું હીન કૃત્ય આચર્યું છે પરંતુ અહીંની જનતા ભાજપનો આ ચહેરો હવે ઓળખી ગઇ છે અને તેથી આગામી પેટાચૂંટણીમાં કોંગ્રેસને જીતાડશે તે નક્કી છે. કોંગી નેતાઓએ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. અમરાઈવાડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી મહિનાના અંતમાં યોજાનાર છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે તાકાત લગાઈ છે. બંન્ને પાર્ટીઓ એકબીજાને પછડાટ આપવાના પ્રયાસ કરી રહી છે.

(9:38 pm IST)