ગુજરાત
News of Sunday, 13th October 2019

કડીના નંદાસણ નજીક ઓએનજીસીના વેલમાં ખનીજ ચોરીનો પ્રયાસ 33 પ્લાસ્ટિકના કેરબામાં 750 લીટર ડીઝલ જપ્ત :આરોપીઓ ફરાર

દોઢ ઇંચની પાઇપ, ડિસમિસ, પક્કડ તથા રીંગપાનું સહિતના સાધનો મળી આવ્યા

કડી તાલુકાના નંદાસણ નજીક સીમમાં આવેલ ઓએનજીસીના વેલ પર ખનીજચોરીનો પ્રયાસ થયો હતો. નવા ડ્રિલિંગ રીંગ પોઇન્ટ નંબર ઇ-760-13 ઉપર મશીનમાં ભરવા મુકેલ ડીઝલની અજાણ્યા ચાર શખ્શો ચોરી કરી રહ્યા હતા. આ દરમ્યાન એસ.આર.પી.એફની ટીમ પહોંચી જતાં ચોરો અંધારાનો લાભ લઇ ફરાર થયા હતા

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના નંદાસણ પાસેના કૈયલ ગામની સીમમાં ઓએનજીસીની સંપત્તિ સાથે ચોરી થતાં બચી ગઇ છે. અજાણ્યા ચોર લોકો વહેલી સવારે ખનીજતેલના કુવાના ડ્રિલિંગ પોઇન્ટની પાછળના ભાગે પડેલ ડીઝલ ટેન્ક બાજુ ચોરી કરતા હતા. આ દરમ્યાન પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ફોર્સના જવાનો જોઇ જતાં ભાગદોડ મચી ગઇ હતી. જવાનોના હાથે પકડાઇ જાય તે પહેલા બે ચોર તાર ફેંસિંગમાંથી તથા અન્ય બે ચોર ઈસમો નેળિયાના રસ્તેથી અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતા.

સમગ્ર ઘટના અંગે સિકયુરિટીના કર્મચારીઓ દ્વારા તેમના ઉપરી અધિકારીને તાત્કાલિક જાણ કરાઇ હતી. જેથી ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા 33 જેટલા પ્લાસ્ટિકના કેરબામાં ડીઝલ ભરેલું મળી આવ્યું હતું. જેમાં એક કેરબામાં આશરે 25 લીટર જેટલું ડીઝલ ભરેલું હોઇ કુલ 750 લીટર ડીઝલ, જેની કિંમત આશરે 45,000 રૂપિયા થાય તેની ચોરી થતા અટકી હતી. ઘટનાસ્થળેથી ચોરો લઇ આવેલ દોઢ ઇંચની પાઇપ, ડિસમિસ, પક્કડ તથા રીંગપાનું સહિતના સાધનો મળી આવ્યા હતા. સમગ્ર મામલે નંદાસણ પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

(9:10 pm IST)