ગુજરાત
News of Thursday, 13th September 2018

વિજયભાઈએ વડોદરામાં કરી ગણેશજીની પૂજાઃ સંવત્સરી- ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી

દેશની સૌથી મોટી ગણેશ ભગવાનની આરસની મૂર્તિના દર્શન કર્યાઃ ગણેશ યાગમાં થયા સામેલ

અમદાવાદ,તા.૧૩: રાજયના મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ રૂપણીએ ગણેશ ચતુર્થીના દિવસે વડોદરા શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે આવેલી બડા ગણેશની પ્રતિમાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મુખ્યમંત્રીએ રાજયની જનતાને ગણેશોત્સવ અને સંવત્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજયમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે વિજયભાઈ  રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતાં. જયાં તેઓએ આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી દેશની સૌથી મોટી ગણેશની પ્રતિમાના દર્શન કર્યા હતા. અને  મુખ્યમંત્રીએ ગણેશ યાગ કર્યા બાદ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. મંદિરમાં થોડા સમયના રોકાણ બાદ મુખ્યમંત્રી આગળના કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. જાગનાથ મહાદેવ મંદિર ખાતે આજથી ત્રણ દિવસ માટે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાડુ હોમવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરી બે પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે હું રાજયની જનતાને બંને પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવુ છુ. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી વિરાટ બડા ગણેશની દર્શન કરીને હું ધન્યતા અનુભવી રહ્યો છું.(૩૦.૧૦)

(3:55 pm IST)