ગુજરાત
News of Thursday, 13th September 2018

પારણાં બાદ નેચરોપેથી સારવાર માટે બેંગાલુરૂ જશે હાર્દિક પટેલ!

જિંદાલ નેચરકયોર ઇન્સ્ટિટયૂટમાં નેચરોપેથી સારવાર કરાવશે

અમદાવાદ તા. ૧૩ : ૧૯ દિવસથી ઉપવાસ પર ઉતરેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે અંતે પારણાં કરી લીધા છે. જો કે સરકાર વિરૂદ્ઘ લડત ચાલુ જ રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. પરંતુ પાસ સમિતિ અને ખાસ કરીને હાર્દિક પટેલ હવે શું કરશે, આ સવાલ સૌકોઇના મનમાં છે, હાલ તેનો જવાબ તો નથી, પરંતુ ૧૯ દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ બેંગલોર જશે, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક બેંગાલુરુ સ્થિત જિંદાલ નેચરકયોર ઈન્સ્ટિટ્યુટમાં જવાની તૈયારીઓમાં છે. ત્યાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈને પાટીદારોને અનામત, યુવાઓને રોજગારી અને ખેડૂતોની દેવા માફી મામલે ફરીવાર રસ્તા પર ઉતરશે.

કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ ટૂંક સમયમાં જ બેંગાલુરુ જશે, અહીં આવેલી જિંદાલ નેચરકયોર ઇન્સ્ટિટ્યૂટમાં તે નેચરોપેથી સારવાર કરાવશે, ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી પણ અવાર-નવાર જિંદાલ નેચરકયોરમાં કુદરતી ચિકિત્સા કરાવવા જાય છે.

આ કુદરતી ચિકિત્સા દરમિયાન કોઈપણ પ્રકારની ડ્રગ્સ(એલોપથી)નો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલા અહીં હાર્દિકના શરીરની હાલની સ્થિતિની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ તેને જરૂરીયાત મુજબ, યોગા, આસન, પ્રાણાયમ, લાફીંગ થેરેપી, એકયુપંકચર, જિમ અને ફિઝયોથેરેપી કરવામાં આવશે.

જિંદાલનેચર કયોરમાં માટીના લેપની સાથે સાથે તેલથી મસાજ કરીને પણ સારવાર કરવામાં આવે છે. જેમાં લીંબડો, હળદર અને કુંવારપાઠાની પેસ્ટ શરીર પર લગાવીને અડધી કલાક સુધી સામાન્ય તડકામાં બેસાડવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ખાવા-પીવાથી લઈ આખી લાઈફ સ્ટાઈલને પણ સારવારમાં સામેલ કરવામાં આવે છે.

આ દરમિયાન દિવસમાં બેવાર ભોજન આપવામાં આવે છે. જેમાં લંચ અને બ્રેકફાસ્ટ સામેલ છે. જયારે બપોર બાદ ૨ વાગ્યે ફરીવાર સારવાર શરૂ થઈ જાય છે. આ સારવાર શરીરમાં રહેલી તકલીફો મુજબ સૌ કોઈ માટે અલગ અલગ હોય છે. જો કે હાર્દિકને ભોજનમાં શું મળશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. ખાવા-પીવા અંગે વાત કરીએ તો મોટા ભાગે એક કપ સૂપ, પપૈયા અને તરબૂચની એક એક સ્લાઈસ તથા એક ગ્લાસ સોયા મિલ્ક આપવામાં આવે છે અને સાડા પાંચથી ૬ વાગ્યા વચ્ચે ડિનર કરાવવામાં આવે છે.

નેચરોપેથીનો મૂળભૂત વિચાર છે કે શરીર માટી, આકાશ, પાણી, વાયુ અને અગ્નિ એમ પંચમહાભૂતનું બનેલું છે અને આ પાંચેય બાબતોમાં સંતૂલન રહે છે અને તેનું સંતુલન બગડવા પર માણસ બીમાર પડે છે. નેચરોપથી દ્વારા તેનું સંતુલન પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જિંદાલ નેચરકયોર ઈન્સ્ટિટ્યુટની શરૂઆત ડો.સીતારામ જિંદાલે કરી હતી. સીતારામ જિંદાલ, જિંદાલ એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીના માલિક છે.(૨૧.૫)

(10:15 am IST)