ગુજરાત
News of Thursday, 13th September 2018

મકાનમાં આગની દુર્ઘટનામાં નુકસાની બદલ વળતર મળ્યું

શહેર ગ્રાહક તકરાર નિવારણે વળતર અપાવ્યું: મકાનના ઇન્ટીરીયરને ભારે નુકસાન થયું છે ત્યારે સર્વેયર ૫૦ ટકા ઘસારો કાપી શકે નહી : ફોરમ દ્વારા સ્પષ્ટ આદેશ

અમદાવાદ,તા. ૧૨: શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ગ્રાહક કોર્ટમાં પ્રેકટીસ કરતાં એક એડવોકેટના મકાનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મકાનનો ગ્રુપ ઇન્શ્યોરન્સ હોવાછતાં નુકસાનીની પૂરી રકમ ચૂકવવામાંથી હાથ ઉંચા કરી દેનાર વીમાકંપની સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા કરાયેલી ફરિયાદમાં અમદાવાદ શહેર(એડિશનલ) ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ફરિયાદી વકીલને યોગ્ય વળતર અપાવતો મહત્વનો હુકમ કર્યો હતો. ફોરમના પ્રમુખ ડી.બી.નાયક અને સભ્ય શ્રીમતી કે.પી.મહેતાએ ઠરાવ્યું હતું કે, મકાનના ઇન્ટીરીયરને ભારે નુકસાન થયું છે, ત્યારે સર્વેયર ૫૦ ટકા ઘસારો કાપી શકે નહી. આ સંજોગોમાં ફરિયાદી વકીલને ફરિયાદ તા.૪-૧-૨૦૧૭થી વાર્ષિક આઠ ટકાના વ્યાજ સાથે રૂ.૨૩,૬૦૦નું વળતર ચૂકવી આપવા ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું હતું. આકસ્મિક આગ અનુ દુર્ઘટનાના કિસ્સાઓમાં જયારે વ્યકિત વીમાથી સુરક્ષિત હોય ત્યારે આવા કિસ્સાઓમાં ગ્રાહક ફોરમનો આ ચુકાદો ઘણો માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે. ફરિયાદી દિનેશભાઇ શાહ તરફથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરી જણાવ્યું હતું કે, ગત તા.૫-૧૨-૨૦૧૬ના રોજ આંબાવાડી વિસ્તારમાં રહેતાં એડવોકેટ દિનેશભાઇ શાહના મકાનમાં શોટસર્કિટના કારણે આગ લાગી હતી. અચાનક ભારે આગ ફાટી નીકળતાં ફાયરબ્રિગેડને જાણ કરતાં જવાનોએ આવી આગ બુઝાવી દીધી હતી. આગમાં મકાનમાં ઇન્ટીરીયર અને અન્ય સરસામાનની થયેલી નુકસાની બદલ વીમાકંપની ધી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની પાસે દાવાની માંગણી કરી હતી. કારણ કે, ફરિયાદીની ન્યુ ગિરધરપાર્ક સોસાયટીના તમામ મકાનો રૂ.૧૫ લાખના ગ્રુપ ઇન્શ્યોરન્સથી સુરક્ષિત અને આવરાયેલા હતા. વીમાકંપનીના સર્વેયરે ઘરની મુલાકાત લઇ નુકસાનીની આકારણી રૂ.૪૭,૨૦૦ કરી હતી, જેમાં જૂનો ફલેટ હોવાથી સર્વેયરે ૫૦ ટકા રકમ ઘસારા તરીકે કાપવા ભલામણ કરી હતી. જેથી વીમાકંપનીએ રૂ.૨૩,૬૦૦ જ દાવાની રકમમાં ચૂકવ્યા હતા. જેને પગલે ફરિયાદીને ગ્રાહક સુરક્ષા ફોરમના દરવાજા ખખડાવવાની ફરજ પડી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફોરમનું ધ્યાન દોર્યું કે, મકાનનો વીમો રૂ.૧૫ લાખના ગ્રુપ ઇન્શ્યોરન્સ હેઠળ આવરાયેલો છે અને તેથી વીમાંકપની પૂરી રકમ ચૂકવવાનો ઇનકાર કરી શકે નહી. વાસ્તવમાં વીમાકંપની દાવાના પ્રોસેસમાં ખામી રાખી અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી રહી છે ત્યારે ફોરમે ફરિયાદી ગ્રાહકને ન્યાય અપાવતો હુકમ કરવો જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી ફોરમે ઉપરોકત હુકમ કર્યો હતો.

(9:22 am IST)