ગુજરાત
News of Wednesday, 12th September 2018

નરોડા સ્યુસાઇડ કેસ : મેલી વિદ્યાનું કારણ સપાટી ઉપર

મેલીવિદ્યાના ચક્કરમાં પરિવારે જીવ ગુમાવ્યો : મમ્મી મેં અનેકવાર તમને કાળી વિદ્યા અંગે જણાવ્યું પણ તમે ન માન્યા : વેપારીની સ્યુસાઇડ નોટમાં છેલ્લા શબ્દો

અમદાવાદ, તા.૧૨ : નરોડામાં કોસ્મેટિક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની કવિતા(ઉ.વ.૪૫) અને ૧૬ વર્ષની દીકરી સીરીન સાથે આત્મહત્યા કરી લેવાની શહેરભરમાં ચકચાર જગાવનાર ઘટનામાં આખરે મેલીવિદ્યા-કાળીવિદ્યા કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી મેલીવિદ્યાની વાતને લઇ હવે આગળની તપાસ આરંભી છે. મૃતક વેપારીે કૃણાલ ત્રિવેદી(ઉ.વ.૫૦)એ તેમના આશરે ૭૫ વર્ષના માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા. આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી. પરંતુ આજે સુસાઈડ નોટ સામે આવતા કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ સુસાઈડ નોટમાં માતાને સંબોધીને મૃતક વેપારીએ લખ્યું છે કે, મમ્મી મેં ઘણીવાર તમને કાળી વિદ્યા અંગે જણાવ્યું પણ તમે માન્યા નહીં. તેથી પોલીસે હવે આ મામલે તપાસ આરંભી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કૃણાલભાઇના બેન-બનેવી અને પરિવારના અન્ય સંબંધીઓ પણ રહે છે. તેમજ ઘરમાં તેમના વૃદ્ધ માતા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૃણાલ ત્રિવેદીએ ત્રણ પેજની લખેલી સુસાઈડ મુજબ, મમ્મી તમે મને ક્યારેય સમજી જ શક્યા નહીં, આખી દુનિયાએ મને શરાબી કહ્યો પણ હું નશો કેમ કરતો હતો. જો તમે મને પહેલા દિવસે જ સમજી લીધો હોત તો આજે મારી જિંદગી કંઈક બીજી જ હોત. હું જીવનમાં ક્યારેય કોઈ ચીજથી ડર્યો નથી. કૃણાલની ડિક્શનરીમાં ક્યારેય આત્મહત્યા હતી નહીં. મેં ઘણીવાર કાળી શક્તિઓ અંગે જણાવ્યું હતું. પરંતુ તમે ક્યારેય પણ તે માન્યું નહીં, અને તેનું કારણ શરાબને ગણાવી. કૃણાલ આગળ લખે છે, 'મેં ધંધામાં એમપી વાળાને રૂપિયા ૧૪,૫૫૦૦૦ આપ્યા છે. હું કોઈનો કર્ઝદાર નથી. મેં ધંધામાં ૬ લાખ રૂપિયા માલ પેટે આપ્યા છે. કોઈપણ તમારી પાસે હજાર રૂપિયા લેવાનું હક્કદાર નથી. જે આજ સુધીનો સંચય છે. મેં ક્યારેય શોખથી દારૂ પીધો નથી. મારી આ નબળાઈનો કાળી વિદ્યાઓએ ભરપૂર ઉપયોગ કર્યો છે. હું ક્યારેય ઈચ્છતો નહોતો કે મારા સાસુ-સસરા અને તમારા પર કોઈ તકલીફ આવે. પરંતુ પરિસ્થિતિએ મને ક્યારેય ઉપર આવવા જ દીધો નહીં. હું ઘણીવાર પડ્યો અને ઉભો થયો પણ હાર્યો નહીં, પણ હવે આ બધી બાબતો દિવસેને દિવસે વધી રહી છે. મમ્મી તમે તો જાણો જ છો. સુસાઈડ નોટના અંતમાં કૃણાલભાઈના છેલ્લા શબ્દો હતા કે, જીજ્ઞેશભાઈ આ હવે તમારી જવાબદારી છે. શેર અલવિદા કહી રહ્યો છે. જીજ્ઞેશકુમાર, તુષારભાઈ તમે બધાએ કુણાલની આ સ્થિતિ જોઈ છે. પરંતુ કોઈ કંઈ કરી શકતું નહોતું. પરંતુ મા જેટલી કવિતા કરી શકતી એટલી કરતી હતી, તેને વિશ્વાસ હતો કે કુળદેવી, આઈ તેને બચાવીને બહાર કાઢી લેશે. પરંતુ કાળી શક્તિઓ સરળતાથી પીછો છોડતી નથી. આ પહેલા ગઈકાલે રાત્રે નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી, પત્ની કવિતા ત્રિવેદી અને તેમની ૧૬ વર્ષની પુત્રી શ્રીન તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા ૨૪ કલાકથી તેમના સંબંધીઓ સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઓને શંકા ગઇ હતી. ત્યાર બાદ સંબંધીઓ નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રૂમમાંથી જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે એક બેડરૂમમાં પત્ની અને દીકરીનો મૃતદેહ ઝેર પીધેલી હાલતમાં નીચે અને કૃણાલભાઇ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હવે આ સમગ્ર કેસમાં કાળીવિદ્યાના પરિબળને લઇ તપાસ આરંભી છે.

(8:12 pm IST)