ગુજરાત
News of Thursday, 13th September 2018

ભારતી આશ્રમ ખાતે PSIનો નોટો ઉડાવતો વિડિયો વાયરલ

વર્દીમાં પીએસઆઇએ નોટો ઉડાવતાં વિવાદમાં : સરખેજના ભારતી આશ્રમમાં ગાયક જિજ્ઞેશ કવિરાજના લોકડાયરામાં બનેલી ઘટનાને લઇ લોકોમાં જોરદાર ચર્ચા

અમદાવાદ,તા.૧૨ : શહેરના સરખેજ ગામમાં આવેલ ભારતી આશ્રમમાં સોમવારની મોડી રાતે ગાયક જિજ્ઞેશ કવિરાજના લોકડાયરામાં એક પોલીસ સબઇન્સ્પેક્ટરનો રૂપિયા ઉછાળતો વીડિયો વાઇરલ થતાં પોલીસ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ડાયરામાં હજારોની સંખ્યામાં સ્થાનિકો આવ્યા હતા, જ્યાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. પીએસઆઇ વર્દી પહેરેલી સ્થિતિમાં નોટોનો વરસાદ વરસાવતાં વિવાદમાં સપડાયા છે. આ અંગેની વિગત એવી છે કે, સરખેજના ભારતી આશ્રમમાં યોજાયેલા ડાયરામાં ભારતીબાપુ સહિત સંત-મહંતો હાજર રહ્યા હતા. સરખેજ ગામમાંથી હજારોની સંખ્યામાં લોકો આ ડાયરાની મજા માણવા માટે આવ્યા હતા. ડાયરાનો રંગ જામ્યો હતો. ડાયરામાં બંદોબસ્ત માટે આવેલા સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પણ મોજમાં આવી જતાં તેઓ સ્ટેજ પર આવ્યા હતા અને જિજ્ઞેશ કવિરાજ પર રૂપિયા ઉછાળ્યા હતા. પીએસઆઈ તે વખતે યુનિફોર્મમાં હતા. કોઈએ વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર. રામાણી ભારતી આશ્રમમાં જિજ્ઞેશ કવિરાજનો ડાયરો થયો જ નથી તેવું રટણ કરી રહ્યા છે. પોલીસતંત્રના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે જ્યારે કોઇ પણ પોલીસ કર્મચારી વરદીમાં હોય ત્યારે આ રીતે વર્તન કરે તે ગેરકાયદે કહેવાય, તેના પર કોડ ઓફ કન્ડન્ટ પ્રમાણે ઇન્ક્વાયરી કરવામાં આવે છે. પહેલાં જે તે પોલીસ કર્મચારીનો ખુલાસો માગવામાં આવે અને ત્યારબાદ કાર્યવાહી થાય છે. તેથી હવે આ કિસ્સામાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.

(8:11 pm IST)