ગુજરાત
News of Wednesday, 12th September 2018

વડોદરાના છાણી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.60 લાખની મતાનો હાથફેરો કર્યો

વડોદરા:શહેરના છાણી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનના બંધ મકાનમાં રાત્રે ત્રાટકેલી બુકાનીધારી તસ્કર ટોળકીએ મકાનના દરવાજાને લગાવેલા તાળા અને ઈન્ટરલોક તોડીને ૧.૬૦ લાખની મતાની ચોરી કરી હતી.

છાણી-સોખડારોડ પર રવિ શિખર-૨માં રહેતા અમરશી ભીમજીભાઈ રોઠોડ હાલમાં નિવૃત જીવન ગાળે છે. તાજેતરમાં તે ધાર્મિક યાત્રાએ સૈારાષ્ટ્ર ગયા જતા ગત ૯મી તારીખની મોડી રાત્રે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

ફ્લેટના કમ્પાઉન્ડ વોલની ઉપર લગાવેલી ફેસીંગવાયર કાપીને ફ્લેટમાં ઘુસેલા ચારથી પાંચ બુકાનીધારી તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાની જાળીનું તાળું નકુચા સાથે તેમજ મુખ્ય દરવાજાનું ઈન્ટરલોક તોડી નાખી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં કબાટમાંથી ૧.૬૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. 

ગઈ કાલે પરત ફરેલા અમરશીભાઈને મકાનમાં ચોરીની જાણ થતાં તેમણે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતાં ચાર-પાંચ તસ્કરો હોવાની જાણ થઈ હતી.

(4:49 pm IST)