ગુજરાત
News of Wednesday, 12th September 2018

હાર્દિકના નેજા હેઠળ આંદોલન ચાલુ રહેશે

સવારે પાસના તમામ કન્વીનરોની બેઠક મળી હતી અને બાદમાં પ્રેસ સમક્ષ જાહેરાત

રાજકોટ તા. ૧ર : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર શ્રી મનોજ પનારાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શ્રી હાર્દિકભાઇએ અમારા સહુના હઠાગ્રહને માન આપી આજે બપોરના પારણા કર્યા છે. તેનો અમને આનંદ છે.

પાસની ખેડૂતોને દેવા માફી, પાટીદારોને શિક્ષણ-નોકરીમાં અનામત, અલ્પેશ કથીરીયાની મૂકિત સહિત ત્રણ મુખ્ય માંગો અંગે ઉપવાસ છોડયા પછી પણ શ્રી હાર્દિક પટેલના નેતૃત્વમાં સભા-રેલી-પ્રવાસ-યાત્રા સહિતના તમામ જાહેર કરાયેલ કાર્યક્રમો યથાવત ચાલુ રહેશે.તેમ શ્રી મનોજ પનારાએ જણાવ્યું છે.

શ્રી મનોજ પનારાએ કહ્યું હતું કે ખોડલધામ-ઉમિયાધામ સહિત છ સંસ્થાના વડિલોની હાજરીમાં બપોરે ૩ વાગ્યે  પારણા કર્યા છે.

 આ પહેલા પાસના તમામ કન્વીનરો શ્રી જયેશ પટેલ, શ્રી બ્રીજેશ પટેલ, શ્રી ગીતાબેન સહિતના ૯ થી ૧૦ કન્વીનરોની મિટીંગ મળી હતી. જેમાંં હાર્દિકભાઇને ઉપવાસ છોડવા સમજાવવા-અપીલ કરવાનો નિર્ણય લેવાયેલ.

હાર્દિકભાઇએ અમારી વિનંતી માન્ય રાખી છે. સમાજની તમામ ૬ સંસ્થાના આગેવાનો-હોદ્ેદારોએ પણ આ જ લાગણી દર્શાવી હતી. કોંગ્રેસના ધારાસભ્યો, વિવિધ સંસ્થાઓએ પણ હાર્દિકભાઇને સમજાવી અપીલ કરી હતી.

સમાજના તમામ આગેવાનોએ હાર્દિકભાઇને પ્રથમ વખત સાથે મળી આગ્રહ કરતા હાર્દિક ભાવવિભોર બની ગયેલ અને વડીલોના આદેશને માથે ચડાવ્યો હતો.

આમ હાર્દિક પટેલના ઉપવાસનો આજે અંત આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં હાર્દિકના નેતૃત્વ હેઠળ પાસનું આંદોલન, તમામ કાર્યક્રમો ચાલુ રહેશે.

(4:06 pm IST)