ગુજરાત
News of Wednesday, 12th September 2018

સરકારની તાનાશાહી-હીટલરશાહીઃ ગુજરાત સરકારે ૧૯ દિવસમાં એકપણ વાર વાતચીત માટે પ્રયાસ સુધ્ધા કર્યો નથીઃ મનોજ પવારા

અમદાવાદ, તા.૧૨: ખેડૂતોનાં દેવાંમાફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથીરિયાની જેલમુકિતની માગ સાથે છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર ઊતરેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે બપોરે કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ તેમજ અન્ય પાટીદાર અગ્રણીઓના હસ્તે પારણાં કર્યા છે.

ત્રણ માગને લઇને હાર્દિક પટેલ છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર હતો અને એક વખત હોસ્પિટલમાં પણ તે દાખલ થયો હતો છતાં પણ ભાજપ સરકારે કોઇ મચક આપી ન હતી. છેવટે પાટીદાર સમાજની સંસ્થાઓ અને વડીલો દ્વારા તેમને પારણાં કરી લેવા માટે સમજાવાયો હતો.

પાસના પ્રવકતા મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર ઊતરેલ હાર્દિક પટેલને પારણાં કરી લેવા માટે સમજાવવા ગઇ કાલે પાટીદાર સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ, વડીલો આવ્યા હતા. હાર્દિક પર સમાજના વડીલો, આગેવાનો અને માતા-બહેનોનું દબાણ હતું કે તે પારણાં કરી લે.

હાર્દિકને પારણા કરવા માટે સમજાવવામાં આવ્યો હતો અને રાજયના જિલ્લાના કન્વીનરો અને કાર્યકર્તાઓ સાથે પણ પાસની ટીમે વાતચીત કરી હતી.

તેઓએ પ્રસ્તાવ મૂકયો હતો કે હાર્દિક પટેલને સમાજની, દેશના ખેડૂતો, ગરીબોને જરૂર છે. સરકારની તાનાશાહી સામે લડવા માટે હાર્દિકનું જીવન જરૂરી છે. દરેક ચર્ચાના અંતે હાર્દિકની સહમતી હતી અને હાર્દિક આજે સમાજના લોકોના અને ખેડૂતના હિતમાં આજે બપોરે પારણા કરવા સહમત થયો હતો. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ઊંઝા ઊમિયાધામના ટ્રસ્ટી પ્રહ્લાદ પટેલ, સમાજના આગેવાન સી.કે. પટેલ, આર.પી. પટેલ, કે.પી. પટેલ તેમજ દિનેશ કુંભાણી સહિત સરદારધામ, સીદસર ધામ સહિતની સંસ્થાઓના વડીલો દ્વારા આજે બપોરે ત્રણ વાગ્યે પારણા કરાવવામાં આવશે. મનોજ પનારાએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહી અને હિટલરશાહીથી છેલ્લા ૧૯ દિવસથી હાર્દિક પટેલ ઉપવાસ પર હોવા છતાં એક દિવસ માટે કે એક સેકન્ડ માટે પણ સરકારે વાતચીતનો પ્રયાસ કર્યો નથી. પાસની સાથે કોઇ પણ સીધો સંવાદ કર્યો નથી. આગામી દિવસોમાં સરકારને વાત માનવી પડશે.(૨૩.૧૨)

(3:35 pm IST)