ગુજરાત
News of Wednesday, 12th September 2018

નડિયાદમાં એક શખ્શ એસટી બસ લઈને ફરાર :ચર્ચની દીવાલ સાથે બસ અથડાઈ : અંતે પકડાઈ જતા હાશકારો

લોકોએ બસને હંકારી જનારને પકડી પોલીસને હવાલે કર્યો :નશામા હોવાની આશંકા

નડિયાદમાં એક શખ્સ એસટી બસ લઈને ફરાર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી બસ લઈને ભાગી રહેલા શખ્સને પકડવા માટે લોકોએ દોડાદોડી કરી હતી. અંતે શખ્સ પકડાઈ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. શખ્સને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ નડિયાદ બસ સ્ટેન્ડમાં પડેલી એક એસટી બસ લઈને  રાત્રે એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. વ્યક્તિએ આડેધડ બસ હંકારવા માંડી હતી. તંત્ર અને લોકોને આ વાત ધ્યાનમાં આવતા દોડાદોડી થઈ ગઈ હતી

   બસ લઈને ભાગેલો આ શખ્સ મિશન રોડ પર આવેલા મેથોડિસ્ટ ચર્ચમાં ઘૂસી ગયા હતો. ચર્ચની દીવાલ સાથે બસ અથડાતા દીવાલ તૂટી ગઈ હતી અને બસ ચર્ચના મેદાનમાં ઘૂસી ગઈ હતી. ચર્ચની દીવાલ સાથે અથડાયા પહેલા ચાલકે અનેક વસ્તુઓને અડફેટે લીધી હતી.

   આ દરમિયાન લોકોએ બસને હંકારી જનાર શખ્સને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. શખ્સે દારૂના નશામાં આવું કૃત્ય કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શખ્સની પૂછપરછ કરતા તેણે ડેપોમાંથી બસની ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું અને જણાવ્યું હતું કે ચાવી બસમાં જ હોવાથી તે બસ લઈને ભાગી ગયો હતો.

(12:57 pm IST)