ગુજરાત
News of Wednesday, 12th September 2018

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેરામાં કોઇ ઘટાડો નહીં થાય

નીતિન પટેલના નિવેદનથી લોકોમાં હાલમાં નિરાશાઃ ચૂંટણી પહેલા વેટમાં કુલ ચાર ટકા સુધીનો ઘટાડો કરાયો હતો : કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતમાં વેરો ઓછો

અમદાવાદ,તા.૧૧: પેટ્રોલ ડીઝલના ભાવ બેકાબૂ થયેલા છે ત્યારે ગુજરાત સરકારે કોઇપણ રાહત આપવાનો આજે ઇન્કાર કરી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી અગાઉ વેટમાં ચાર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં વેટ અને સેસના દરો ખુબ ઓછા છે. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે કહ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં કોઇ ઘટાડો કરવામાં આવનાર નથી. સરકારના આ નિવેદનથી સામાન્ય લોકોમાં નારાજગી ફેલાય તેવી શક્યતા છે. દેશભરમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ હવે હાથ ઉંચા કરી દીધા છે. નીતિન પટેલે કહ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇને આંતરરાષ્ટ્રીય સ્થિતિ જવાબદાર દેખાઈ રહી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૦મી ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે ગુજરાત સરકારે વેટના દરમાં ચાર ટકાનો ઘટાડો કર્યો હતો. હાલમાં કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ઉપર વેરો ઓછો લેવામાં આવે છે. પ્રજાને હાલમાં પરેશાની થઇ રહી છે પરંતુ ગુજરાત સરકારની તિજોરી વેરાથી ઉભરાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી, સેન્ટ્રલ વેટ અને અન્ય પ્રકારના વેરાની વસુલાત કરવામાં આવ્યા બાદ ગુજરાત સહિતના રાજ્યો દ્વારા પણ વેટ ઉપરાંત સેસ સહિતના વેરા વસુલ કરવામાં આવે છે જેના લીધે કિંમતોમાં વધારો થઇ જાય છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. ગુજરાતમાં પેટ્રોલના વેચાણના કારણે ત્રણ હજાર કરોડથી વધુ રૂપિયાની આવક થાય છે જ્યારે ડીઝલ ઉપર વેરાની વર્ષે ૮૦૦૦ કરોડ રૂપિયા કરતાની વધુની આવક થાય છે. નાણામંત્રી નીતિનપટેલના નિવેદનથી લોકોમાં ફરી એકવાર નિરાશા ફેલાઈ ગઈ છે.

(9:28 am IST)