ગુજરાત
News of Wednesday, 12th September 2018

ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતની ૧૦ પાર્ટીઓઅે ૨.૨૭ અબજ ખર્ચી નાખ્યાઃ ભાજપે પ્રચાર પાછળ ૮૨ કરોડ, ટ્રાવેલીંગ પાછળ ૩૦ કરોડ, ઉમેદવારો માટે ૩૦ કરોડનો ખર્ચ કર્યોઃ કોંગ્રેસે પ્રચાર પાછળ ૧૧ કરોડ, ઉમેદવારો માટે ૩૧ કરોડનો ખર્ચ કર્યો

અમદાવાદ- ADR(અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કરેલા ખર્ચનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું છે કે ચૂંટણી લડનારી 10 પાર્ટીઓએ કુલ 227.44 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે.

રિપોર્ટ અનુસાર, વિધાનસભાની ચૂંટણી પતે તેના 75 દિવસની અંદર પાર્ટીઓએ ઈલેક્શન કમિશનને પોતાના ચૂંટણી ખર્ચનું સ્ટેટમેન્ટ જમા કરવાનું હોય છે. પરંતુ મુખ્ય બન્ને પાર્ટી ભાજપ અને કોંગ્રેસે ડેડલાઈન મિસ કરી છે. ભાજપે 98 દિવસ પછી અને કોંગ્રેસે 140 દિવસ પછી સ્ટેટમેન્ટ સબમિટ કર્યુ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપના સેન્ટ્રલ હેડક્વાર્ટર્સ તરફથી ઈલેક્શન માટે 160.7 કરોડ રુપિયા કલેક્ટ કરવામાં આવ્યા હતા જ્યારે ગુજરાત યુનિટ તરફથી 88.5 કરોડ કલેક્ટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આંકડો 20.5 કરોડ અને 49.1 કરોડ રુપિયા છે. જો ખર્ચની વાત કરવામાં આવે તો ભાજપના સેન્ટ્રલ હેડક્વાર્ટર્સ અને ગુજરાત યુનિટ તરફથી 23.8 કરોડ અને 106.6 કરોડ રુપિયા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસનો ખર્ચ ક્રમશ: 7.6 કરોડ અને 12.4 કરોડ રુપિયા છે.

રિપોર્ટ અનુસાર, ભાજપે પ્રચાર પાછળ 82.8 કરોડ રુપિયા અને ટ્રાવેલ એક્સપેન્સ 30 કરોડ, ચૂંટણી લડતા ઉમેદવારોને 30 કરોડ રુપિયા અને 29 કરોડ રુપિયા અન્ય ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે પાર્ટીના ઉમેદવારોને 31 કરોડ રુપિયા, પ્રચાર પાછળ 11.4 કરોડ રુપિયા અને ટ્રાવેલ પાછળ 7.5 કરોડ અને અન્ય ખર્ચાઓ 70 લાખ સુધીના જણાવ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશની સરખામણીમાં ગુજરાતમાં 6000 ગણો વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. ADRના એક અધિકારીએ જણાવ્યું કે, રાજકીય પાર્ટીઓ જો સમયસર ખર્ચાઓનું સ્ટેટમેન્ટ આપે તો તેમને દંડ કરવો જોઈએ. સિવાય કોઈ પણ ડોનરે કેટલા પૈસા ડોનેટ કર્યા છે તે પણ લોકો સમક્ષ જાહેર કરવું જોઈએ.

(9:26 am IST)