ગુજરાત
News of Saturday, 13th August 2022

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પુનમના દિવસે પરંપરાગત રીતે ભગવાન રણછોડરાયને શણગાર બાદ સોનાની રાખડી બંધાઇ

પુજારી દ્વારા બંધાયેલ રાખડી ભગવાન દશેરાના દિવસે મોતીબાગ જઇ સમીના વૃક્ષની નીચે રાખડી છોડશે

ખેડાઃ ખેડા જિલ્લાના જાણીતા યાત્રાધામ ડાકોરના પુનમના દિવસે પરંપરાગત રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રણછોડરાયજીને સવારે શણગાર બાદ આરતી ઉતારી પુજારી દ્વારા રાખડી બંધાઇ હતી. ભગવાન દશેરાના દિવસે વરઘોડા સ્‍વરૂપે મોતીબાગ જઇ સમીના વૃક્ષ નીચે રાખડી છોડવામાં આવશે.

આજે પૂનમ હોઈ આજે પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકાય છે. દેશના અનેક મંદિરોમાં આજે પૂનમ હોઈ આજે ખાસ પૂજા કરાઈ છે. ત્યારે યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રણછોડ રાયને રાખડી બાંધવામાં આવી હતી. હવે આ રાખડી દશેરાના દિવસે છોડવામાં આવશે.

હવે દશેરાએ નીકળશે રાખડી

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રણછોડરાયને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. નક્ષત્ર પ્રમાણે ગઈકાલે બપોર પછી પૂનમ હોય આજે સવાર સુધી પૂનમ રહી હોવાથી આજે મંદિરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ભગવાન રણછોડરાયને સવારે શણગાર આરતી બાદ રાખડી બંધાતી હોય છે. ગઈકાલે બપોર બાદ પૂનમ હોય ગઈકાલે ડાકોરના ઠોકોરની રાખડીં બાંધવામાં આવી ન હતી. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. સ્નાન કરાયા બાદ ભગવાનને શણગાર કરવામાં આવ્યા. તેના બાદ સવારે 7:00 વાગ્યાના અરસામાં ભગવાનને રાખડી બાંધવામાં આવી હતી. જોકે, આ રાખડી છોડવાનો એક ચોક્કસ સમય હોય છે. સેવક પૂજારી દ્વારા બંધાયેલી આ રાખડી ભગવાન દશેરાને દિવસે વરઘોડા સ્વરૂપે મોતીબાગ જઈ સમીના વૃક્ષ નીચે રાખડી છોડવામાં આવે છે.

ભગવાન શામળાજી ભક્તોની રક્ષાના તાંતણે બંધાયા

તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણ સુદ પૂર્ણિમા ઉત્સવ આજે ઉજવાયો હતો. પૂર્ણિમા અને રક્ષા બંધનના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. રક્ષા બંધનના પાવન પર્વે ભગવાન શામળિયા માટે ભક્તો રાખડી લઈને આવ્યા હતા, ત્યારે શણગાર આરતી બાદ ભગવાનને મંદિરના મુખ્યાજી દ્વારા ભક્તોની લાવેલી રાખડીઓ તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવડાવાયેલી સોનાની રાખડી બાંધવામાં આવી હતી. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ભગવાન શામળાજી હજારો ભક્તોની લાવેલી રક્ષાના તાંતણે બંધાયા હતા. આ પાવન અવસરે ભગવાનને વિશેષ શણગાર પણ કરાયા હતા

(6:12 pm IST)