ગુજરાત
News of Thursday, 13th August 2020

અમદાવાદમાં વૃદ્ધ પિતાને પુત્ર-પુત્રવધુએ ધક્કા મારી ઘરમાંથી કાઢી મુક્યા: ફરી આવ્યા તો હાથ પગ તોડી નાખશું તેવી ધમકી પણ આપી

મકાન વેચી પુત્રને રૂપિયા આપ્યા : પુત્રએ પત્નીના નામે ફ્લેટ લીધો : લાચાર બાપે પુત્ર, પુત્રવધુ, વે વાઈ અને વેવાણ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મદાવાદ: 70 વર્ષના વૃદ્ધ પિતાને પુત્રએ પત્ની સાથે મળી ઘરમાંથી ધક્કા મારી બહાર કાઢ્યા હતા. પુત્રએ પિતાને ધમકી પણ આપી કે, ફરી આવ્યા તો તમારા હાથ પગ તોડી નાખીશું. લાચાર વૃદ્ધએ આખરે બહેનના ઘરે આશરો લેવો પડ્યો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં લાચાર બાપે પુત્ર, પુત્રવધુ, વે વાઈ અને વેવાણ વિરુદ્ધ મંગળવારે ફરિયાદ નોંધાવી છે. પિતા વિરુદ્ધના પુત્ર અને પુત્રવધૂના વર્તનની રજુઆત સાંભળી પોલીસ સ્ટાફ પણ આંચકો ખાઈ ગયો હતો.

તિરૂપતી ઓઈલ માં ફરજ બજાવતા અશોકભાઈ (નામ બદલ્યું છે)એ મણિનગર ખાતે સાળાના નામે મકાન લીધું હતું. નોકરીમાંથી નિવૃત થયા બાદ આ મકાન વેચી પુત્રને રૂ.13.50 લાખની રકમ અશોકભાઈએ આપી હતી. જે રકમમાંથી અશોકભાઈના પુત્રએ મકરબા ખાતે પત્નીના નામે ફ્લેટ લીધો હતો.

છ માસ અગાઉ અશોકભાઇની પત્નીનું અવસાન થયું હતું. તે પછી પુત્ર રીધ્ધીશ અને પુત્રવધુ નિધિ અશોકભાઈને સારી રીતે રાખતા ન હતા. અશોકભાઇ ઘર છોડી જતા રહે તેવું વર્તન તેમની સાથે કરવામાં આવતું હતું. આથી અશોકભાઈએ રિધ્ધીશ અને તેની પત્નીને સમજાવી મને સારી રીતે રાખો, હું આ ઉંમરે કયા જવું તેમ કહી પોતાની લાચારી વ્યક્ત કરી હતી.

પુત્રવધુ નિધીએ અશોકભાઈને ધમકી આપી કે, તમે ઘર છોડી નહીં જાવ તો હું તમારા વિરૂધ્ધ મને હેરાન કરો છો. તેવી ફરિયાદ કરીશ. આથી ડરી ગયેલા અશોકભાઈએ બનાવની જાણ તેમની ભાણીના પુત્ર જેકી અને તેના મિત્રને કરી હતી. ગત તા.3 જૂનના રોજ અશોકભાઈને પુત્ર,પુત્રવધુ,વેવાઈ અને વેવણએ ભેગા મળી ધક્કા મારી ઘરમાંથી બહાર કાઢ્યા હતા.આથી લાચાર અશોકભાઇ તેમની બહેનના ઘરે રહેવા માટે ગયા હતા.

મંગળવારે સાંજે અશોકભાઇ પુત્રના ઘરે ગયા હતા. પુત્ર રિધ્ધીશ અને તેની પત્ની નિધીએ કહ્યું, અહીંયા કેમ આવ્યા આથી અશોકભાઈએ તહેવાર હોઈ ભગવાનના દર્શન કરવા આવ્યો છું. હવે અહીંયા જ રોકવાનો છું. તેમ જણાવતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા.બન્નેએ વૃદ્ધ અશોકભાઈને ઘરમાંથી બહાર કાઢી મુખ્ય હતા. પુત્ર અને પુત્રવધુની દાદાગીરી સામે લાચાર અશોકભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અશોકભાઈની ફરિયાદના આધારે સરખેજ પોલીસે તેમના પુત્ર રિધ્ધીશ, પુત્રવધુ નિધિ, વેવાઈ અને વેવાણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(9:54 pm IST)