ગુજરાત
News of Tuesday, 13th July 2021

સુરતના અમરોલી વિસ્તારમાં મની ટ્રાન્સફરના ધંધાર્થીની બાઇકને આંતરી પાંચ લૂંટારુઓ 7.50 લાખની મતા ચોરી છૂમંતર.....

સુરત: શહેરનાઅમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ 5 નજીક રેલવે ટ્રેક પાસેથી પસાર થઇ રહેલા મની ટ્રાન્સફરના ધંધાર્થીની બાઇકને આંતરી બાઇક સવાર બુકાનીધારી પાંચ લૂંટારૂઓએ માર મારી રોકડા રૂ. 7.50 લાખની મત્તા મળી કુલ રૂ. 7.60 લાખની મત્તા લૂંટીને ભાગી ગયા હતા.

અમરોલી-ન્યુ કોસાડ રોડના સ્વીટ હાઉસમાં હરેશ વિનુ ગોળવીયા (ઉ.વ. 28) અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ-1 માં માનસી મોબાઇલ નામે મોબાઇલ રીપેરીંગ અને મની ટ્રાનસફરનો ધંધો કરે છે. ગત રાત્રે હરેશ મની ટ્રાન્સફરના રોકડા રૂ. 7.50 લાખ અને રીપેરીંગના 3 મોબાઇલ મળી કુલ રૂ. 7.60 લાખ બેગમાં મુકી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. હરેશની સાથે બાજુમાં મેડીકલ સ્ટોર ધરાવતો અશ્વીન દેસાઇ પણ તેની બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. બંને દુકાનદાર અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ-5 નજીક રેલવે ટ્રેક પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી બે મોટરસાઇકલ પર ત્રણ બુકાનીધારી સહિત પાંચ લૂંટારૂ ઘસી આવ્યા હતા. લૂંટારૂઓએ અશ્વીનની બાઇક અટકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ અશ્વીન ટર્ન મારી બાઇક લઇ નીકળી ગયો હતો. પરંતુ લૂંટારૂઓએ હરેશેની બાઇકને આંતરી એક તમાચો મારી તેરે પાસ જો હૈ વો નીકાલ એમ કહી બેગ લૂંટી ભાગી ગયા હતા. હરેશે પ્રથમ બાઇક પર અને ત્યાર બાદ મિત્ર હિતેશ ઉર્ફે ભગત દેસાઇ મળતા તેની કારમાં બેસીને લૂંટારૂઓનો પીછો કર્યો હતો. પરંતુ લૂંટારૂઓ અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે વિનુ ગોળવીયાએ અમરોલી પોલીસમાં લૂંટની ફરીયાદ નોંધાવી હતી. 

(6:24 pm IST)