ગુજરાત
News of Tuesday, 13th July 2021

અમદાવાદમાં વિકાસના કામો અને વિવિધ પ્રોજેક્‍ટો તો શરૂ કરાયા પરંતુ આડેધડ વૃક્ષો કપાયાઃ 4 વર્ષથી 8794 વિશાળ વૃક્ષો કાપી નખાયાઃ 900 વૃક્ષોને રી-પ્‍લાન કરવામાં સફળતા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકામાં વિકાસના અનેક કામો થયા છે. જેનો લાભ શહેરીજનોને દેખીતી રીતે મળ્યો છે. પરંતુ શહેરના શાંઘાઇ કે સિંગાપોર બનાવવાની લ્હાયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધીકારઓ વિકાસની આડ અસર સામે આંખ આડા કાન કરી રહ્યા છે અને તેનુ ઉદાહરણ છે વિકાસના નામે અમલમાં મૂકાઇ રહેલા વિવિધ પ્રોજેક્ટો માટે આડેધડ કપાઇ રહેલા વૃક્ષો.

એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રી ઝુંબેશ હેઠળ વર્ષે 10 લાખ વૃક્ષો  વાવવાની વાત કરાય છે, પરંતુ પાછલા 4 વર્ષમાં જ શહેરમાં 8794 વિશાળ વૃક્ષો કાપવામાં આવ્યા છે, જે પૈકી 900 વૃક્ષોને રી-પ્લાન કરવામાં સફળતા પણ મળી છે. નોંધનીય છેક તાજેતરમાં તૌકતે વાવાઝોડાના કારણે જ શહેરમાં નાનામોટા મળીને 12000 કરતા વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા.

વર્ષ 2016-17 થી વર્ષ 2020-21 સુધીની વાત કરીએ તો મેટ્રો પ્રોજેક્ટ માટે અત્યાર સુધી 969, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 4293, અને વિવિધ કારણોસરની મંજૂરી બાદ 3542 વૃક્ષો કારવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 3600 વૃક્ષો આકસ્મીક ઘટના અથવા અન્ય કારણોસર ધરાશાયી થયા છે.

(4:14 pm IST)