ગુજરાત
News of Monday, 13th July 2020

ભાજપમાં પેટાચૂંટણીની તૈયારી શરૂ : મુખ્યમંત્રીના બંગલે મીટીંગ યોજાઈ

આઠ વિધાનસભા બેઠકોની રાજકીય સ્થિતિ અંગે નિરીક્ષકો દ્રારા રિપોર્ટ રજૂ

અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે ભાજપ દ્વારા પેટા ચૂંટણીની તૈયારી શરુ કરાઈ છે આગામી દિવસોમાં યોજાનારી આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણીને લઇને કોંગ્રેસ હાઇ કમાન્ડે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પાટીદારના યુવા નેતા હાર્દિક પટેલની નિમણૂંક કરી છે. બીજી તરફ ભાજપે આ આઠ બેઠકોની રાજકીય સ્થિતિની ચકાસણી કરવા નિરીક્ષકોની નિમણૂંક કરી હતી. આ નિરીક્ષકો સાથે આજે સોમવારે મોડી સાંજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિરીક્ષકોએ રજૂ કરેલા રિપોર્ટ પર ચર્ચા કરીને આગામી વ્યૂહરચનાથી માંડીને પ્રચાર પધ્ધતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ પક્ષપલ્ટુઓને ટિકીટ આપવાનું લગભગ ફાઇનલ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરતાં ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો ખાલી થઇ હતી. આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ બેઠકોની રાજકીય તેમ જ સ્થાનિક પરિસ્થિતિનો તકાજો મેળવવા એક મંત્રી સાથે એક પ્રદેશ હોદ્દેદારની નિમણૂંક કરવામાં આવી હતી.

આ નિરીક્ષકોએ છેલ્લાં સપ્તાહમાં પોતાના વિસ્તારમાં મુખ્ય મંડળની સંકલન સમિતિ તેમ જ સ્થાનિક આગેવાનો ઉપરાંત સામાજિક આગેવાનો સાથે બેઠક યોજીને જે તે વિધાનસભાની પરિસ્થિતિનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ નિરીક્ષકો સાથે આજે સોમવારે મોડીસાંજે મુખ્યમંત્રીના બંગલે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કઇ બેઠક પર શું રાજકીય તેમ જ સામાજિક પરિસ્થિતિ તેમ જ કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવો હિતાવહ છે વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

        સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી, ધારી, કપરાડા, અબડાસા, અને કરજણમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવે તે માટે ખુદ ભાજપના પ્રાદેશિક નેતાઓ મન બનાવી લીધું હોય તેમ લાગે છે. કેમ કે ભાજપને રાજયસભાની ત્રીજી બેઠક મળવા પાછળ આ ધારાસભ્યોના રાજીનામાનું યોગદાન સવિશેષ છે. તેની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ઉમેદવારોની વાત આગળ પહોંચાડવામાં આવશે તેવું નિવેદન પણ ઉક્ત બાબતને સમર્થન પુરું પાડે છે તેમ કહીએ તો નવાઇ નથી. પરિણામે તેમને ટિકીટ આપીને તેનો બદલો વાળવામાં આવે તેવુ રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.

(10:08 pm IST)