ગુજરાત
News of Monday, 13th July 2020

વડોદરાની સૌથી જૂની અન્યોન્ય બેન્‍ક સાથે છેતરપિંડીઃ અજાણ્યા ભેજાબાજે એફડીની બોગસ રસીદ રજુ કરીને પોણા બે કરોડ ઉપાડી લીધા

વડોદરા: વડોદરાની સૌથી જૂની અન્યોન્ય બેન્ક સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા ભેજાબાજે બેંકને ચૂનો ચોપડ્યો છે. અજાણ્યા શખ્સે એફડીની બોગસ રસીદ રજૂ કરી એફડી તોડાવી લીધી. ભેજાબાજે પોણા બે કરોડની એફડી બારોબાર વટાવી લીધી. એટલું જ નહિ, અન્ય બેન્કમાં ખાતું ખોલાવવા અન્યોન્ય બેન્કના ફડચા અધિકારીનું પાનકાર્ડ પણ રજૂ કરી દીધું. સહકારી વિભાગે બેન્ક પાસે એફડીની માહિતી માંગતા ભાંડો ફૂટ્યો છે. અન્યોન્ય બેંકના અધિકારીએ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 20 જુનના રોજ રાજ્યના અધિકારીએ એફડીની વિગતો અન્યોન્ય બેંક પાસેથી મંગાવી હતી. ત્યારે અન્યોન્ય બેંકના હંગામી મેનેજર ગિરીશ કાપસેએ પંજાબ નેશનલ બેંકમાં કરેલી પોતાની બેંકના એફડીની વિગતો મંગાવી હતી. એફડી 10 ફેબ્રુઆરી, 2020ના રોજ વટાવી લેવામાં આવી હોવાનું પંજાબ નેશનલ બેંકે કહેતા જ ફડચા અધિકારી ચોંક્યા હતા.

વર્ષ 2010માં અન્યોન્ય બેંક ફડચામાં ગઈ હતી. જેના બાદ અન્યોન્ય બેંકમાં ફડચા અધિકારી નિમાયા હતા, અને લોન ધારકો અને ડિફોલ્ટરો પાસેથી 1.75 કરોડની રકમ વસૂલી હતી. આ રકમને પંજાબ નેશનલ બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરાઈ હતી. આ એફડી ભેજાબાજ દ્વારા બારોબાર સગેવગે કરાઈ હતી. આ માહિતી બહાર આવતા અન્યોન્યના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. આખરે કોણ પોણા બે કરોડની એફડી બારોબાર વટાવી ગયું.

હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેંકના સીસીટીવી મંગાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ છેતરપીંડીમાં બેંકની જાણકાર વ્યક્તિ કે અંદરનો કર્મચારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, ભેજાબાજ એફડી તોડાવવા માટે ફડચા અધિકારીના જેવી જ સહી કરી હતી. આ ઉપરાંત કારેલીબાગની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં અન્યોન્ય બેંકનું એકાઉન્ટ ખોલવવા માટે ફડચા અધિકારીનું પાનકાર્ડ પણ રજૂ કર્યું હતું. 

(4:45 pm IST)