ગુજરાત
News of Monday, 13th July 2020

પાવાગઢ ખોદકામમાં મળ્યો પૃથ્વીરાજ ચૌહાણનો શિલાલેખ

પુરાતત્વ વિભાગનું સંશોધનઃ હજુ પણ ખોદકામ ચાલુ

અમદાવાદઃ પાવાગઢની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલા ખોદકામ દરમિયાન મળી આવેલા શિલાલેખ અને અવશેષ પૃથ્વીરાજ ચૌહાણ કાળનાં હોવાનું સંશોધન દરમિયાન સામે આવ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશના હોવાનો ખુલાસો થયો છે.

પ્રહલાદ પટેલે જણાવ્યું કે, સંશોધન દરમિયાન સામે આવ્યું કે, પૃથ્વીરાજ ચૌહાણ તથા તેમના વંશને પાવાગઢ સાથે પણ સંબંધો હતા તે સ્થાપિત થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાવાગઢનાં સાત કમાન દરવાજા પાસે સાત માસ અગાઉ ખોદકામ દરમિયાન કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જે પુરાતત્વ વિભાગને સોંપવામાં આવ્યા હતા.

પુરાતત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થળો અંગેની વિસ્તૃત માહિતી કમાન અને તેની આસપાસનાં વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બર મહિનામાં ખોદકામ દરમિયાન એક ટંકશાળ પાસેથી શિલાલેખ મળી આવ્યો હતો. આ શિલાલેખ પૃથ્વીરાજ ચૌહાણના વંશજોનો હોવાનું સાબિત થયું છે. આ અંગે પુરાતત્વ વિભાગ વધારે સંશોધન કરી રહ્યું છે. જયારે એક ટીમ હજી પણ ખોદકામ કરીને વધારે પુરાવાઓ એકત્ર કરવા માટે ખોદકામ કરી રહ્યું છે.

(3:00 pm IST)