ગુજરાત
News of Friday, 13th July 2018

ખારીકટને ગંદી કરનાર પાસેથી ૪ લાખથી વધુનો દંડ વસુલાયો

મોબાઇલ ચેકીંગ ટીમ કેનાલની સ્વચ્છતા માટે સક્રિયઃ સતત પેટ્રોલીંગ કરી ખારીકટ કેનાલમાં ગંદકી અને પ્રદૂષણ ફેલાવતાં તત્વો ઉપર તંત્રની નજર ઃ કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ,તા.૧૩: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તા.૧ મે, ર૦૧૮થી એશિયાની સૌથી મોટી ડસ્ટબિન ગણાતી ખારીકટ કેનાલને રાજ્ય સરકારના જળ અભિયાન-ર૦૧૮ હેઠળ સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરાયું હતું, જે એક મહિના સુધી ચાલ્યું હતું. જો કે, હવે ખારીકટ કેનાલને સ્વચ્છ અને ચોખ્ખી રાખવાના આશયથી અમ્યુકો તંત્ર દ્વારા કેનાલમાં ગંદકી કે પ્રદૂષણ ફેલાવી, કચરો ફેંકીને કેનાલને ગંદી કરતા તત્વોને ઝબ્બે કરવા ખાસ પ્રકારે ચાર મોબાઇલ ચેકિંગ સ્કવોડ કાર્યરત કરાઇ છે. જે ખારીકટ કેનાલના સમગ્ર રૃટ પર સતત પેટ્રોલિંગ કરી ચાંપતી નજર રાખશે. તાજેતરમાં જ મોબાઇલ સ્કવોડની ટીમે કેનાલમાં ગંદકી-કચરો ફેંકી પ્રદૂષણ ફેલાવતાં તત્વો-દુકાનદારો પાસેથી રૃ.૪.૨૭ લાખનો દંડ વસૂલ્યો હતો અને આમ કરી આવા તત્વોને તંત્રએ સીધો સંદેશો આપી દીધો છે કે, તેઓ જો ગંદકી ફેલાવશે તો તેમની વિરૃધ્ધ કડક કાર્યવાહી થશે. ખારીકટ કેનાલને હંમેશાં સ્વચ્છ રાખવા માટે તંત્ર દ્વારા કચરો એકત્રિત કરવા માટે વધારાની ૮પ સિલ્વર ટ્રોલી મુકાઇ છે. આ ઉપરાંત ૧૦૪ સીસીટીવી કેમેરા મૂકીને કચરો ફેંકનારા તત્ત્વો સામે ચાંપતી નજર રખાઇ રહી છે તેમજ રોડ ક્રોસિંગ પર ચેઇનલિંક ફેન્સિંગ વગેરેની કામગીરી કરાઇ છે. તેમ છતાં ખારીકટ કેનાલમાં આસપાસના દુકાનદારો દ્વારા સત્તાવાળાની નજર ચૂકવીને કચરો ફેંકવાની પ્રવૃત્તિ અટકી નથી. જોકે તંત્ર દ્વારા ખારીકટ કેનાલમાં કચરો નખાતો રોકવા માટે બાઉન્સર સાથેની ચાર મોબાઇલ ચેકિંગ સ્કવોડ તૈયાર કરાઇ છે. આ મોબાઇલ સ્કવોડ મારફતે કેનાલના સમગ્ર રૃટ પર સતત પેટ્રોલીંગ થઇ રહ્યું છે અને કેનાલમાં ગંદકી ફેલાવતાં તત્વો પર ચાંપતી નજર રખાઇ રહી છે. આ પેટ્રોલિંગ ટીમ દ્વારા ગત તા.૩૦ મે, ર૦૧૮થી તા.૩૦ જૂન, ર૦૧૮ સુધીમાં કચરો ફેંકનારા ઇસમો પાસેથી રૃ.૪.ર૭ લાખનો દંડ વસૂલાયો છે. દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ ૩.૪૪ લાખનો દંડ, ઉત્તર ઝોનમાંથી રૃ.પ૧.પ હજારનો દંડ અને પૂર્વ ઝોનમાંથી સૌથી ઓછો રૃ.૩૧.ર હજારનો દંડ વસૂલાયો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ ટીમ દ્વારા ખારીકટ કેનાલ વિસ્તારના ૭૭ દુકાનદારને કચરો ફેંકવા સંદર્ભે નોટિસ આપીને કુલ ૧૭૭ કિલો કચરો જપ્ત કરાયો હતો તેમજ એક દુકાનને સીલ કરાઇ છે. ખારીકટ કેનાલ સ્વચ્છ રહે તે માટે અત્યારની ચારેય મોબાઇલ ચેકિંગ સ્કવોડને હજુ બે મહિના સુધી કાર્યરત રખાશે. કેનાલમાં ગંદકી કે પ્રદૂષણ ફેલાવનારા તત્વો સામે કડકાઇથી કામ લેવાશે.

(9:41 pm IST)