ગુજરાત
News of Friday, 13th July 2018

ગુજરાતમાં વરસાદની સિસ્ટમ વધુ મજબૂત:દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ : સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત પર અપર એર સાયકલોનિક સર્કયુલેશન છવાયું બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ગુજરાતને ઘમરોળશે : દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજકોટ :ગુજરાતમાં વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બની છે અને આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી 15 અને 16મીએ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ મેઘરાજા અનરાધાર વરસી શકે છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી 24 કલાક દરિયો ના ખેડવા માછીમારોને અપાઈ સૂચના અપાઈ છે

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 15, 16 અને 17 જુલાઇએ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની વરસી શકે છે. આ સાથે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક સર્કયુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત ઓડિશાના સમુદ્ર કિનારા નજીક બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. જેની અસર હેઠળ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

   ગુજરાતના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે . હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે. જો કે કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે.

(8:28 pm IST)