ગુજરાત
News of Friday, 13th July 2018

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો : રિપોર્ટમાં દાવો

ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટર સુધી પહોંચી : ભારે વરસાદ જારી રહેવાના લીધે પાણીની આવક વધી

અમદાવાદ, તા. ૧૩ : ઉપરવાસમાં સતત વરસાદના પરિણામ સ્વરુપે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે. મળેલી માહિતી મુજબ નર્મદા ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટરથી ઉપર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની સપાટી હજુ પણ વધી રહી છે. નર્મદા ડેમને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. ડેમની સપાટી સતત વધી રહી છે. હાલ નર્મદા ડેમમાં ૯૬૭૪ ક્યુસેક પાણીની આવક છે જેથી નર્મદા ડેમની સપાટી ૧૦.૯૫ મીટર પર પહોંચી ગઈ છે. ડેમની સપાટી ૧૧૦ મીટર થતાં આઈબીપીટી ટનલ બંધ કરવામાં આવશે. હાલ ડેમમાં ૩૫૯૩.૭૭ એણસીએમ પાણીનો જથ્થો છે. આજે સાંજ સુધીમાં નર્મદા ડેમની સપાટી ૧૧૦ મીટરને પાર કરી જાય તેવી શક્યતા છે. છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં નાંદોદમાં ૧.૭૫ ઇંચ, તીલકવાડામાં ૩ ઇંચ ગરૂડેશ્વર ૨.૭૫ ઇંચ, ડેડિટાપાડા ૧.૫ ઇંચ, સાગબારા ૧૪મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન અતિ ભારે વરસાદને લઇ દક્ષિણ ગુજરાતના અલગ-અલગ રસ્તાઓ પર પાણી ફરી વળતા સુરતમાં ૨૬, તાપીમાં નેશનલ હાઈ વે સહિત ૫૨, નવસારીમાં સ્ટેટ હાઈ વે સહિત ૭૭, વલસાડના ૨૧ અને ડાંગના બે સ્ટેટ હાઈવે સહિત ૧૯ રસ્તાઓ મળી કુલ ૨૦૦થી વધુ રોડ-રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેને લઇ આ માર્ગો પરનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે, તો સ્થાનિક જનજીવન પણ ઠપ્પ થઇ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના કેટલાય રોડ-રસ્તાઓ બિસ્માર થઇ ગયા છે, તો અનેક જગ્યાએ મોટા અને જોખમી ગાબડા પણ પડયા હોવાની વિગતો સામે આવી હતી.

(8:20 pm IST)