ગુજરાત
News of Friday, 13th July 2018

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઃ ભગવાનના સોનાના અલંકારો આકર્ષણનું કેન્‍દ્ર બનશેઃ મેઘમણી ગ્રુપના રમેશભાઇ પટેલે સાડા નવ કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો

અમદાવાદઃ કાલે રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજી નગરચર્યા પર નીકળશે. તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે આખો દિવસ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા આવશે. આજના દર્શન ખાસ હોય છે કે કારણ કે વર્ષમાં એક જ વાર ભગવાન સોનાના વેશમાં દર્શન આપે છે. ભગવાનને માથે મુગટથી લઇને વસ્ત્રો સુધી સોનાથી જાણે મઢાયા હોય તેવું લાગે છે. આ ઉપરાંત આજે રથની પ્રતિષ્ઠા વિધિ કરાશે અને રાજનેતાઓ પણ ભગવાનના દર્શને આવશે.

આજના ભગવાનના સોના વેશમાં જે આકર્ષણનું કેન્દ્ર છે તે છે તેમના મુગટ. આ મુગટ સડા નવ કિલો સોનાના બનાવવામાં આવ્યાં છે. તેમના અલંકારો ખાસ બનારસમાં તૈયાર કરાવવામાં આવ્યાં છે. તેમના વસ્ત્રો પણ આજે લાલ રંગનાં હશે. તેમના વસ્ત્રો અને અલંકાર બનાવવા માટે મહિનાઓથી તૈયારી કરવામાં આવી રહી હતી.

આજે જગન્નાથ મંદિરનો સોનાનો દિવસ છે કારણ કે આજે જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીએ પહેલીવાર સોનાના મુગટ પહેર્યાં છે. આ મુગટ મેઘમણી ગ્રુપના રમેશભાઈ પટેલે સાડા 9 કિલોનો સોનાના અર્પણ કર્યા છે. મુગટમાં સોનાની સાથે હીરા અને માણેક પણ જડેલા છે. રમેશભાઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, 'હું વિદેશમાં હતો ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે મારે ભગવાનને સોનાનું દાન કરવું છે. '

ભક્તો સાથેની વાતચીતમાં એક મહિલા ભક્તે જણાવ્યું કે, 'આજના આજે દર્શન કરીને મારૂં જીવન ધન્ય બન્યું છે. જાણે જીવનમાં આનંદ આવી ગયો છે. હું ધણી ખુશ છું.'

આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપરાંત સંધ્યા આરતીમાં ભૂપેન્દ્રસિંહ, ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, કૌશિક પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આજે મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. રથની પૂજામાં કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ પૂજા કરશે.

આજનો કાર્યક્રમ

સવારે 8 વાગે ભગવાન જગન્નાથના સોના વેશના દર્શન

બપોરના 3 કલાકે રથ પૂજા

6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ

6 કલાકે સી એમ વિજય રૂપાણી નીતિન પટેલ શુભેચ્છા આપશે

8 કલાકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મંત્રીઓ આરતી કરશે

(6:01 pm IST)