ગુજરાત
News of Friday, 13th July 2018

સુરતના જગદીશભાઇ પટેલને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ ગુજરાત-રાજસ્થાન-મધ્યપ્રદેશ અને મહારાષ્‍ટ્રના ૮ લોકોને નવજીવન મળ્યુઃ પરિવારજનોએ અંગોનું દાન કરતા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઇ

સુરતઃ સુરતની પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા જગદીશ પટેલને પોતાના ગામ જતા સમયે સુરત-હજીરા રોડ પર અકસ્માત નડ્યો. ડિસેમ્બર 2015માં બનેલી આ ઘટનામાં જગદીશ ભાઈને બ્રેઈન ડેડ જાહેર કરાયા, પરંતુ તેમના મૃત્યુએ ચાર રાજ્યોના 8 લોકોનું જીવનને બદલી નાખ્યું.

સુરતની હોસ્પિટલમાં જ્યારે જગદીશ પટેલને મૃત જાહેર કરાયા તો તેમના સંબંધીએ હાર્ટ, લિવર, સ્વાદુપિંડ, કીડની અને આંખ સહિતના અંગોનું દાન કરવાનું વિચાર્યું. આ અંગદાનના કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના આઠ લોકોને નવજીવન મળ્યું. જેમાં IOC (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન)ના ઓફિસર, રાજન દેસાઈને ઈન્ટર-હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી નવું જીવન મળ્યું.

જગદીશભાઈના પુત્ર તેજસ પટેલે ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યા, તે સમયે આ અંગદાનને કારણે નવજીવન પામેલા લોકો લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પિતાના અંગદાન વિશે તેજસે કહ્યું, અમે એવું અનુભવી રહ્યા છીએ કે તેઓ અમારી સાથે જ છે.

તેજસે વધુમાં કહ્યું કે, મારા પિતા સમગ્ર જીવન દરમિયાન ઉદાર રહ્યા, તેઓ હંમેશા પરિવાર અને ગામના લોકોને શક્ય મદદ કરતા. જ્યારે અમને માલુમ પડ્યું કે તેઓ હવે જીવી નહીં શકે તો અમે ડોનેટ લાઈફ્સના નિલેશ મંડલેવાલાનો સંપર્ક કર્યો અને તેમની સલાહથી અંગદાન કર્યું. આનાથી વધારે સારી રીતે તેમનું જીવન સેલિબ્રેટ કરવા વિશે અમે વિચાર્યું પણ નહોતું.

તેજસના પરિવારે પિતાના અંગોનું જે લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું તે બધાને માર્ચમાં યોજાયેલા લગ્નમાં આમંત્રિત કર્યા હતા. આ ક્ષણ પરિવાર માટે ખૂબ ભાવુક હતી, કે તેમના પિતાના કારણે આજે 8 લોકોને નવજીવન મળ્યું છે. દેશમાં માર્ગ અકસ્માતમાં વર્ષે હજારો લોકોના મૃત્યુ થયા હોય છે ત્યારે જગદીશ પટેલના પરિવારે અંગદાન કરીને સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

(5:57 pm IST)