ગુજરાત
News of Friday, 13th July 2018

આણંદના પાધરિયા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની કામગીરી અધવચ્ચે ઠપ્પ થઇ જતા લોકોમાં રોષની લાગણી

આણંદ:માં ચોમાસાની શરૃઆત સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓએ માથું ઉચક્યું છે. આણંદના પૂર્વ પટ્ટીના પાધરીયા વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓમા થોડાક જ વરસાદ સાથે જળબંબાકાર જેવી સ્થીતી દર ચોમાસે થાય છે ત્યારે સ્થાનીકો દ્વારા સ્થાનીક નગરપાલિકામાં વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ કાળજી ન લેવાતાં સ્થાનીક યુવાનો દ્વારા જીલ્લા કલેક્ટરની રૃબરૃ મુલાકાત લઈ રજુઆત કરવામાં આવતાં જીલ્લા કલેક્ટર પોતાની ટીમ સાથે જાતે સ્થળ ઉપર આવી હકીકતનો તાગ મેળવ્યો હતો તથા સ્થાનીક તંત્રને તાત્કાલીક કામગીરી શરૃ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ નગરપાલિકા દ્વારા કલેક્ટરનું માન રાખી કામગીરી શરૃ તો કરાવી પરંતુ ત્યારબાદ ફરીથી કામગીરી ઠપ્પ કરી દેવામાં આવતાં સ્થાનીક રહીશોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

આણંદની પૂર્વ પટ્ટીના પાધરીયા વિસ્તારની સોસાયટીઓમાં ભરાઈ જતાં વરસાદી પાણીના નિકાલ મામલે સ્થાનીકો અને નગરપાલિકા વચ્ચે વર્ષોથી ગજગ્રાહ ચાલી રહ્યો હોવાનું સ્થાનીક અગ્રણી દ્વારા જાણવા મળેલ છે. સ્થાનીક રાજકિય અગ્રણીઓ તથા સત્તાપક્ષના ગજગ્રાહ વચ્ચે લોકોની મુશ્કેલીઓ વધી જવા પામી છે તેવામાં સ્થાનીક યુવાનોએ સ્થાનીક નેતાઓને પડતાં મુકી જાતે જ બીડુ ઝડપી જીલ્લા કલેક્ટરને રૃબરૃ મળી મુશ્કેલીઓની રજુઆત કરવામાં આવતાં જીલ્લા કલેક્ટર પોતાની ટીમ સાથે પાધરીયા ગામડી જકાતનાકા પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરીસ્થીતીનો તાગ મેળવી તંત્રને તાત્કાલીક કામગીરી શરૃ કરવાનો આદેશો આપ્યાં હતાં. ત્યારબાદ નગરપાલિકા દ્વારા કામગીરી શરૃ કર્યા બાદ બે જ દિવસમાં કામગીરી બંધ કરી દેવાતાં સ્થાનીકોમાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે.

(5:22 pm IST)