ગુજરાત
News of Friday, 13th July 2018

મહેસાણામાં અગમ્ય કારણોસર 20 વર્ષીય યુવતીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેસાણા: શહેરના હાઈવે ઉપર વેલી સોસાયટીના મકાનમાં ગુરુવારના રોજ ૨૦ વર્ષીય આશાસ્પદ યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી  લેતા ચકચાર ફેલાઈ ગઈ છે. આ ઘટના અંગે મહેસાણા બીડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા શહેરના હાઈવે ઉપર આવેલ વાઈડ એન્ગલ સિનેમા પાસેની વિકાસનગર સોસાયટી પાછળની ગણપતિ સોસાયટીમાં અરજણજી ઠાકોરનો પરિવાર રહે છે.

ગુરુવારના રોજ તેમની દિકરી કવિતાબેન (ઉ.વ.૨૦) ઘરમાં એકલી હતી તે વખતે મોકો જોઈને તેણીએ ઘરની છત ઉપરના પંખાથી દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં પરિજનો અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા.

 યુવતિએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે અંગે સત્તાવાર વિગતો મળી નથી. મહેસાણા બીડિવિઝન પોલીસ મથકે અગમ્ય કારણોસર યુવતિએ આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે.

(5:21 pm IST)