ગુજરાત
News of Friday, 13th July 2018

ડીસાના ગવાડી વિસ્તારમાં શ્વાને બચકા ભરતા માસુમ બાળકીના મોતથી પરિવારમાં શોકની લાગણી

ડીસા: શહેરના ગવાડી વિસ્તારની એક માસુમબાળકીનું શ્વાન કરડતા મોત નિપજ્યું હતું. આ ઘટના બનતા મૃતક બાળકીના પરિવારજનો પર  દુ:ખનો પહાડ તુટી પડયો હતો.
આ અંગેની વિગત જોઈએ તો માત્ર ૯ વર્ષની ઉંમર ધરાવતી ઝીયા નામની બાળકી દરરોજની જેમ સાંજના સમયે તેના આંગણામાં રમી રહી હતી તે દરમિયાન તેના ઘરમાં શ્વાને પ્રવેશ કરી બાળકી પર અચાનક હૂમલો કરી દીધો હતો અને બાળકીના માથાના ભાગે બચકું ભર્યું હતું. જ્યારે શ્વાનના બચકાથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને ઈન્જેક્શન આપીને રજા આપી દીધી હતી.
પરંતુ બાદમાં બાળકીને ઘરે લાવી ત્યારે બાળકીની તબીયત વધુ લથડતા તેને એકવાર ફરી તેના પરિવારજનો સારવાર માટે સરકારી દવાખાને લઈ ગયા હતા. પરંતુ બાળકીની હાલત ખૂબ જ નાજુક જણાતા તબીબે તેની સારવાર કરવાની ના પાડી દીધી હતી. જેથી નાની માસુમ બાળકીના પરીવારજનો પરત ઘરે લઈને આવ્યા હતા. ઘરે લાવ્યાના ગણતરીની મિનિટોમાં જ માસુમ બાળકીએ દમ તોડી દીધો હતો. ૯  વર્ષની બાળકીનુ મોત થતા બાળકીના પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.

(5:21 pm IST)