પાવી જેતપુરમાં પીએસઆઇના ઘરમાંથી વિદેશી દારૂ મળી આવતા બે કોન્સ્ટેબલના જામીન કોર્ટે નામંજૂર કર્યા
પાવી:જેતપુર કદવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઇના ઘરમાંથી વિદેશી દારૃ મળી આવવાનાં મામલે પીએસઆઇ જે.બી. કટારા અને બે કોન્સ્ટેબલની ધરપકડ બાદ પાવી જેતપુરની કોર્ટે પીએસઆઇ સહિત ત્રણના જામીન મંજૂર કર્યા હતાં. જેની અપીલ સેશન્સ કોર્ટમાં થતાં કોર્ટે ત્રણેના જામીન રદ કરી પાવી જેતપુર કોર્ટમાં તાત્કાલીક હાજર થવાનો હુક્મ કર્યો હતો. પરંતુ ત્રણે ફરાર થઇ ગયા છે.
કદવાલ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઇ જે .બી. કટારાના સરકારી રહેણાંક મકાનમાં ૧૬ મી જૂનની રાત્રે છોટા ઉદેપુર એલસીબી એ રેડ કરતાં ૨૬૫ બોટલ વિદેશી દારૃ ઝડપી પાડયો હતો. જે અંગે કદવાલ પોલીસ મથકે જ પીએસઆઇ અને આ દારૃ ગાડીમાંથી ઉતારવામાં મદદ કરનાર બે કોન્સ્ટેબલ રણજીત સીસોદીયા અને કાના આહીરની સામે ગુનો દાખલ કરી ત્રણેની ધરપકડ કરવામાં આવી હતી.
પીએસઆઇ જે.બી.કંટારા અને બે કોન્સ્ટેબલોને પાવી જેતપુરની કોર્ટમાં રજુ કરાતા તેઓને જામીન પર મુક્ત કરાયા હતા. જો કે સરકારી વકીલ રાજેન્દ્ર પરમારે સેશન્સ કોર્ટમાં અપીલ કરી જણાવ્યું હતુ ંકે આ ત્રણે આરોપીઓ સરકારી કર્મચારી છે. અને પ્રજાએ જે વ્યક્તિઓ પાસે રક્ષકની અપેક્ષા રાખી છે તેઓ જ ભક્ષક બન્યા છે. અને સરકારી ક્વાટર્સમાંથી ગેરકાયદે પાસ પરમીટ વગર અને પોતે સરકારી ડયૂટી પર હોવા છતાંય ૨૬૫ નંગ વિદેશી દારૃ મળી આવેલો છે.