ગુજરાત
News of Friday, 13th July 2018

આણંદ નજીક વાંસખીલીયામાં દૂધ મંડળીમાં તસ્કરોએ રાત્રીના સુમારે 2.61 લાખની મતાની ચોરી કરી

આણંદ: નજીક આવેલા વાંસખીલીયા ગામની દૂધ મંડળીમાં મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો ૨.૬૧ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર વાંસખીલીયા ગામની ભાગોળે આવેલ દૂધ મંડળીના સેક્રેટરી જયંતિભાઈ મેલાભાઈ વાઘેલા પશુપાલકોને વિતરણ કરવા માટે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડી લાવ્યા હતા. કેટલીક રકમ ચુકવ્યા બાદ બાકીની રકમ તિજોરીમાં મૂકીને લોક કરી દીધી હતી. રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે સુમારે દૂધ મંડળી બંધ કરીને સેક્રેટરી સહિત કર્મચારીઓ જતા રહ્યા હતા. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને દૂધ મંડળીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બનાવવામાં આવેલ લોખંડની જાળી ખસેડીને તસ્કરોએ રૂમના નકુચા તોડી નાંખીને અંદર ઘુસ્યા હતા અને ચેરમેનની રૂમમાં આવેલી બે તિજોરી તોડીને તેમાં મૂકેલો માલ-સામાન વેરણછેરણ કરી દઈને અંદરથી ૨,૬૧,૦૬૩ની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મોડીરાત્રે અમુલ ડેરીમાંથી દૂધની ટેન્કર દૂધ ભરવા માટે આવી ત્યારે મંડળીમાં ચોરી થયાની જાણ થઈ હતી. જેથી ચેરમેને તુરંત જ આણંદ રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ચઢી હતી સેક્રેટરીની ફરિયાદ લઈને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી હતી. 

ગઈકાલે રાત્રીના સુમારે પડી રહેલા વરસાદ વચ્ચે પણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારના રહીશોમાં પણ ભયની લાગણી પ્રસરી જવા પામી છે.

(5:18 pm IST)