ગુજરાત
News of Friday, 13th July 2018

કપડવંજ-મોડાસા નજીક બસની ડિકીમાંથી પોલીસે 8050નો દારૂનો જથ્થો ઝડપ્યો

કપડવંજ:કપડવંજ-મોડાસા રોડ રેલીયા ચેક પોસ્ટ પરથી આજે સવારે લક્ઝરી બસની ડીકીમાંથી વિદેશી દારૂ બોટલ નં. ૨૩ મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. 
કપડવંજ રૂરલ પોલીસ આજે સવારે રેલીયા ચેક પોસ્ટ ઉપરથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરતી હતી. આ દરમ્યાન મોડાસા તરફથી આવેલ લક્ઝરી બસ નં. આરજે ૦૭ બીસી ૨૭૭૦ને ઊભી રખાવી ડીકીમાં મૂકેલ માલસામાનની તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમ્યાન બે થેલામાંથી વિદેશી દારૂની બોટલ નં. ૨૩ રૂા. ૮૦૫૦નો મળી આવી હતી. જેથી પોલીસે માલસામાનના ઓથા હેઠળ વિદેશી દારૂ સંતાડી હેરાફેરી કરનાર દિનેશ ગુલાબચંદભાઈ ત્રિવેદી (રે. ઉદેપુર, રાજસ્થાન)ની અટક કરી તેની પાસેથી મોબાઈલ રૂા. ૫૦૦નો કબજે કર્યો હતો. આમ કપડવંજ રૂરલ પોલીસે વિદેશી દારૂ તથા મોબાઈલ મળી કુલ રૂા. ૮૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ લક્ઝરી બસ ભીલવાડાથી સુરત જતી હતી. જ્યારે દારૂની હેરાફેરી કરનાર ઈસમ ઉદેપુરથી સુરત જવા બેઠો હોવાનું બહાર આવેલ છે. 
આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)