ગુજરાત
News of Friday, 13th July 2018

રાજકોટની ત્રણ પ્રારંભિક ટી.પી. સ્કીમો સહિત રાજ્યની કુલ ૦૭ ટી.પી. સ્કીમને કરાઈ મંજુર : લોકોને સુવિધા, વિકાસને મળશે વેગ

રાજકોટની ટી.પી. સ્કીમ નં.૧૫ (વાવડી), નં.૧૨ (કોઠારીયા), નં.૨૭ (મવડી), અમદાવાદની નં.૮૯(વટવા-૧) અને કડીની અંતિમ સ્કીમ નો થયો સમાવેશ

રાજકોટઃ રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા તથા મંજુર કરવામાં આવે તે ઉદ્દેશ્યને પાર પાડવાના અભિગમને સાર્થક કરતા, આજ રોજ ૦૨ ડ્રાફટ ટી.પી., ૦૪ પ્રીલીમીનરી ટી.પી. તથા ૦૧ ફાયનલ ટી.પી. મળી કુલ ૦૭ ટી.પી.ને મંજુરી આપી છે.

મંજુર થયેલ સ્કીમોમાં રાજકોટની ત્રણ પ્રારંભિક સ્કીમો નં.૧૫ (વાવડી), નં.૧૨ (કોઠારીયા) તથા નં.૨૭ (મવડી)નો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદની નં.૮૯(વટવા-૧) અને કડીની અંતિમ સ્કીમ ઉપરાંત અમદાવાદ અને વડોદરાની અનુક્રમે ૪૦૩/બી (સનાથલ-નવાપુર) તથા નં.૩ (સેવાસી)ની ડ્રાફટ ટી.પી. પણ સમાવિષ્ટ છે.

ખાસ કરી રાજકોટ માટે આનંદના સમાચાર કહી શકાય તેમ છેલ્લા ચાર માસમાં જ રાજકોટ શહેરની કુલ સાત પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમોની મંજુરી મળેલ છે જેમાં અગાઉ નં.૨૨ (રૈયા), નં.૧૯ અને ૧૩(રાજકોટ) અને નં.૧૬ (રૈયા) સમાવિષ્ટ છે.

મંજુર થયેલ પ્રીલીમીનરી સ્કીમ પૈકી કેટલાંકની ડ્રાફટ સ્કીમ તો પંદર વર્ષ પહેલા મંજુર થયેલ, જ્યારે આજ રોજ મંજુર કરાયેલ ડ્રાફટ સ્કીમો ૨૦૦૬ થી જારીમાં હતી. આમ રાજકોટ શહેરના આયોજનમાં અને અમલીકરણમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈની સૂચનાથી ઝડપ આવેલ છે.

મોજે કોઠારીયા, વાવડી તથા મવડીની મંજુર કરાયેલ આશરે ૩૧૦ હેક્ટર્સ જેટલા વિસ્તારની પ્રીલીમીનરી સ્કીમમાં સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ-૧૧૧ જેટલા પ્લોટ મળશે, જેનો કુલ વિસ્તાર આશરે ૬,૮૧,૬૨૩ ચો.મી. જેવો થાય છે.

આમાં ટી.પી. ૧૨ (કોઠારીયા)માં કુલ-૩૩ પ્લોટનો આશરે ૧,૬૫,૫૮૦ ચો.મી. જેટલો વિસ્તાર થાય છે. જ્યારે ટી.પી. ૧૫ (વાવડી) અને ૨૭ (મવડી)માં અનુક્રમે ૨૭ પ્લોટનો ૨,૨૫,૭૧૧ ચો.મી. તથા ૫૧ પ્લોટોનો ૨,૮૯,૩૩૨ ચો.મી. જેટલો વિસ્તાર થાય છે. આ પ્લોટોમાં બાગબગીચા, ખુલ્લી જગ્યા, સુખાકારી માટેની જાહેર સુવિધાઓ માટેના પ્લોટ તથા સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટેના પ્લોટોનો સમાવેશ થાય છે. આટલી જમીનો સત્તામંડળને મળવાથી શહેરના વિકાસને વેગ મળવા સાથે નાગરિકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ વિભાગમાં નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે વિના વિલંબે નાગરિકલક્ષી હકારાત્મક અભિગમથી ત્વરિત કામ કરવા અધિકારીઓને તાકીદ કરી છે. જેના ફળસ્વરૂપે ગત પાંચ માસમાં જ પચાસ જેટલી ડી.પી. / ટી.પી.ને મંજુરી આપી શહેરી વિસ્તારમાં ખરા અર્થમાં લોકોની મુશ્કેલીઓને નિવારવા કામગીરી વેગવંત કરેલ છે.

(4:54 pm IST)