ગુજરાત
News of Friday, 13th July 2018

ટ્રાન્સપોર્ટરોનું રણશીંગુઃ ૨૦મીના સવારથી સજ્જડ હડતાલ

ઓલ ઈન્ડીયા અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો.ને રાજકોટના એસો.નો ટેકો જાહેરઃ મહત્વની મીટીંગમાં લેવાતા નિર્ણયો : દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આવશ્યક ચીજવસ્તુ ચાલુ રહેવા દેવાશેઃ ત્રણ સ્થળે કંટ્રોલ રૂમ તથા બે સ્થળે સ્પે. છાવણી : રાજકોટની ૯૦૦ સહિત ગુજરાતભરની ૨૦ હજાર ટ્રાન્સપોર્ટ ઓફિસના શટર ૨૦મીથી પાડી દેવાશે : લાંબા અંતરના બુકીંગ સોમ-મંગળવારથી બંધ કરાશેઃ નજીકના બુકીંગો ૧૯મીથી બંધ કરી દેવાશે : ડ્રાઈવર-કલીનરોના પગાર અપાશે ભથ્થુ નહી અપાયઃ વતનમાં આવી જાય તો ભથ્થુ નહી આપવા નિર્ણય : ૨૦મીથી રાજકોટ શહેર-જીલ્લાના ૩૦ હજાર સહિત સૌરાષ્ટ્રના ૩ લાખ અને ગુજરાતના ૯II લાખ ટ્રકોના પૈડા થંભી જશે

રાજકોટ, તા. ૧૩ :. આગામી તા. ૨૦ જુલાઈના સવારે ૬ વાગ્યાથી રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત સહિત દેશભરમાં મુખ્ય પાંચ માંગણીઓ અંગે કેન્દ્ર સરકારે કોઈ નિવેડો નહીં લાવતા બેમુદતી ટ્રાન્સપોર્ટ હડતાલ પડી રહી છે. રાજકોટના ૭ થી ૮ હજાર, રાજકોટ જિલ્લાના ૨૫ થી ૨૭ હજાર, સૌરાષ્ટ્ર-કચ્છના ૩ લાખથી વધુ અને ગુજરાતના ૯II લાખથી વધુ સહિત દેશભરમાં ૨ કરોડથી વધુ ટ્રકો-ટેમ્પોના પૈડા થંભી જશે તેમ આજે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસો.ના ચેરમેન શ્રી હસુભાઈ ભગદે અને સેક્રેટરી શ્રી મીહીરભાઈએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

આજે સવારે ૯ વાગ્યે ૪-ભકિતનગર ખાતે રાજકોટના ટ્રાન્સપોર્ટ-ટેમ્પોના ૨૫૦ થી ૩૦૦ માલિકોની મીટીંગ મળી હતી. આગેવાનો હસુભાઈ ભગદે, મીહીરભાઈ, માવજીભાઈ ડોડીયા, પ્રભાતભાઈ ડાંગર વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મીટીંગમાં માંગણીઓ અંગે સર્વાનુમતે ઠરાવો કરાયા હતા. માહિતી આપતા હસુભાઈએ ઉમેર્યુ હતુ કે, ૨૦મીના સવારથી રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતની એક પણ ઓફિસ નહીં ખૂલે, રાજકોટની ૯૦૦થી વધુ તો ગુજરાતભરની ૨૦ હજારથી વધુ ઓફિસોના શટર પાડી દેવાશે.

તેમણે ઉમેર્યુ હતું કે ટ્રાન્સપોર્ટરો તા. ૧૭ મીથી એટલે કે સોમ-મંગળવારથી જ લાંબા અંતરનું બુકીંગ બંધ કરી દેશે, અને નજીકના બુકીંગ ૧૯ મીથી બંધ કરી દેવાશે.

હસુભાઇએ ઉમેર્યુ હતું કે અમારી હડતાલથી હાલ લોકોને કોઇ તકલીફ પડે, સરકારને રોજની કરોડોની ટેક્ષની આવક ગુમાવવાનો વારો આવશે, તો ટ્રક માલીકોને પણ કરોડોની ભાડાની આવકની નુકશાની જશે, અમે જીવન જરૂરી ચીજવસ્તુઓ દૂધ-શાકભાજી-અનાજ-પેટ્રોલ-ડીઝલ-કેરોસીન સહિતના પેટ્રોલીયમ પદાર્થોનું આવા-ગમન ચાલૂ રાખવા દઇશું, તેમને નહી રોકવામાં આવે, બાકીનું તમામ પરીવહન ઠપ્પ કરી દેવાશે.

શ્રી હસુભાઇએ જણાવેલ કે ૨૦ મીથી જ અમારા ત્રણ સ્થળે કન્ટ્રોલરૂમ અને બે સ્થળે છાવણી શરૂ થઇ જશે, જેમાં ૧ કન્ટ્રોલ રૂમ જલારામ ટ્રાન્સપોર્ટ- ભકિતનગરમાં, બીજો અટીકામાં રાજધાની રોડવેઝ ખાતે અને ત્રીજો સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ-એસટી વર્કશોપ પાછળ કિર્તીભાઇને ત્યાં શરૂ કરાશે, જયારે છાવણી કુવાડવા રોડ ઉપર સાત હનુમાન પછી નવો જે રીંગ રોડ છે ત્યાં એક છાવણી, અને બીજી છાવણી મેટોડામાં ગેઇટ નં. ૧ ખાતે ઉભી કરાશે.

તેમણે ઉમેર્યુ હતું કે ટ્રાન્સપોર્ટરો એટલા ત્રાહિમામ છે કે, અને હડતાલ એટલી સજ્જડ રહેેશે કે ૨૦ મી થી કોઇ ટ્રાન્સપોર્ટર પોતાનો ટ્રક કોઇપણ રાજય કે શહેરમાં હાઇવે ઉપર દોડાવાની હિંમત જ નહી કરે.

ડ્રાઇવર-કલીનરોના પગાર ભથ્થા અંગે તેમણે કહયું કે, જે રસ્તામાં હશે તેને ભથ્થું મળશે, વતનમાં પહોંચી જનારને ભથ્થુ નહી અપાય, જયારે ડ્રાઇવર-કલીનરોના પગાર ચાલૂં  રહેશે,  તેમનો  પગાર  નહી  કપાય.

મુખ્ય માંગણીઓ

. ડીઝલની કિંમતોમાં ઘટાડો તેમજ દરેક રાજ્યમાં સમાન કિંમત અને રોજેરોજ ભાવ ફેરને બદલે ત્રિમાસિક ભાવ ફેર સમીક્ષા

. ટોલ બેરીયર ફ્રી ભારત

. થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા અને ઈન્સ્યોરન્સ પોલીસી પર જીએસટી નાબુદ

. ટ્રાન્સપોર્ટના ભાડા ઉપર ટીડીએસ નાબુદી, ઈન્કમટેક્ષના અધિનિયમન ધારા ૪૪ એઈમાં અનુમાનીક આવકમાં તર્કસંગત ઘટાડો અને ઈ-વે બીલમાં પડતી તકલીફની સમીક્ષા

. બસો તેમજ ટુરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટ

(4:12 pm IST)