ગુજરાત
News of Friday, 13th July 2018

આજ રાતથી સમગ્ર અમદાવાદ પોલીસના પંજામાં

બોંબ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા લાંબી ગટરોની ઉંડાણપુર્વક ચકાસણીઃ ઇઝરાયલથી ખાસ આયાત કરાયેલા બલુનોની ક્ષમતાની તપાસણીનો પ્રારંભ

લોખંડી સુરક્ષા વ્યવસ્થા .... અમદાવાદમાં કાલે અષાઢી બીજે નિકળનારી રથયાત્રા સંદર્ભે મંદિર આસપાસ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તથા ભગવાન જગન્નાથજીની તસ્વીર સાથે બોંબ સ્કવોડ દ્વારા પ્રથમ વખત લાંબી ગટરોની ચકાસણી કરવામાં આવી તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા., ૧૩:  અમદાવાદમાં પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે નિકળતી ૧૪૧ મી રથયાત્રાના આડે હવે ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી બંદોબસ્ત અંગે મહદ અંશે સંતોષ વ્યકત કરવામાં આવ્યો હતો. ઉકત બેઠકમાં અમદાવાદના અનુભવી સ્પેશ્યલ પોલીસ કમિશ્નર ડો.કે.એલ.એન.રાવ, જે.કે.ભટ્ટ તથા રથયાત્રા માટે ખાસ વડોદરાથી જેમને બોલાવાયા છે તેવા કોઇ પણ પરિસ્થિતિને કંટ્રોલ કરવામાં માસ્ટરી ધરાવતા આઇજી સુભાષ ત્રિવેદી વિ.એ ચર્ચાઓ કરી હતી.

સંવેદનશીલ વિસ્તારોની જેમને ખાસ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે તેવા અમદાવાદના સેકટર-ર ના એડીશ્નલ પોલસસ કમિશ્નર અશોકકુમાર યાદવે પણ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. કંટ્રોલ રૂમનું ઓવર ઓલ સુકાન સિનીયર એસપી એચ. આર.મુલીયાણાએ સંભાળ્યું છે. તેઓ તમામ બાબતોથી પોલીસ કમિશ્નર એ.કે.સિંઘને વાકેફ કરી રહયા છે.

આજ રાતથી જ રથયાત્રાના સમગ્ર રૂટ પર વરસાદી વાતાવરણને કારણે પોલીસ સ્ટાફ છત્રી અને રેઇનકોટ સાથે પોતાની પોજીશન સંભાળી લેશે. અર્ધ લશ્કરી દળની ટુકડીઓ પણ તેમના માટે નિયત કરેલ સ્થાનોએ ગોઠવાઇ જશે. ટુંકમાં કહીએ તો આજ મધરાતથી રથયાત્રા પુર્ણ થાય ત્યાં સુધી સમગ્ર અમદાવાદ પોલીસના પંજામાં રહેશે.

દરમિયાન રથયાત્રાના રૂટનું જ બોંબ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા થતા ચેકીંગમાં વધારાનો ફેરફાર કરી ૧૪ કિ.મી. સુધીની વિવિધ સળંગ ગટરોના ઢાંકણાઓ ખોલી ઉંડે સુધી ચકાસણી કરવામાં આવેલ. ઉકત બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતા અકિલા સાથેની વાતચીતમાં આ ફેરફાર પાછળ માત્રને માત્ર સાવચેતી સિવાય કંઇ ન હોવાનું ભારપુર્વક જણાવેલ.

ઇઝરાયલથી ખાસ આયાત કરવામાં આવેલ બલુનો કે જેની ક્ષમતા ડ્રોન કરતા અનેકગણી વધુ છે જેનો રથયાત્રામાં ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંતો દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. ધાબા ઉપર તથા વોચ ટાવર ઉપરથી સતત પાવરફુલ દુરબીનો દ્વારા નિરીક્ષણ થાય છે.

બીજી તરફ જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઇ બળભદ્રજી અને બહેન સુભદ્રા નીજ મંદિરમાં પધારતા તેઓની નેત્રોત્સવ વિધી થઇ હતી. મામાને ઘેર જાંબું, કેરી વિ.વધુ ખાધી હોવાથી તેમની આંખો આવવાથી તેમની આંખે બંધાતા પાટાને  નેત્રોત્સવ વિધી કહે છે.

કાલે  મંગળા આરતી પહેલા ભગવાનની આંખે બંધાયેલા પાટાઓ છોડવામાં આવશે. ત્યાર બાદ વ્હેલી સવારે ૪ કલાકે મંગળા આરતી થશે. જેમાં અમિતભાઇ શાહ જોડાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સોનાની છાવરણીથી રથ સાફ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવશે. ભગવાન મામાના ઘેર સરસપુર  જવાના હોવાથી ત્યાં પણ ભાણેજોને આવકારવા તડામાર તૈયારીઓ સાથે ભકતોના ઘોડાપુર ઉમટયા છે.

હાથી તોફાને ચડે તો ખાસ ગન દ્વારા બેભાન કરી દેવાશે

રાજકોટઃ  રથયાત્રામાં સામેલ થયેલ ગજરાજોની અમદાવાદના ઝુ વિભાગના  નિષ્ણાંત વેટરનીટી ડોકટરો દ્વારા વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રથયાત્રા સમયે કોઇ હાથી તોફાને ચડે અને અવ્યવસ્થા, ધક્કામુક્કી જેવુ કે ભાગંભાગી ન થાય તે માટે તજજ્ઞોને સામેલ કરાયા છે. ખાસ ગન દ્વારા આવા તોફાને ચડેલ ગજરાજોને બેભાન કરવાની ક્ષમતા એ ખાસ ગનમાં હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું. આમ રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

કાળી રોટી-ધોળીદાળ એટલે માલપુવા અને દુધપાકનો ભંડારામાં પીરસાતો પ્રસાદ

રાજકોટઃ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં જોડાવા માટે  દેશભરમાંથી પધારેલ  સાધુ-સંતો માટે ગઇકાલે જગન્નાથજી મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવેલ. ભંડારામાં કાળી રોટી અને ધોળી દાળ એવા શબ્દો સાંભળી ભાવીકો અચંબામાં પડયા છે તો ચાલો કાળી રોટી અને ધોળી દાળનો અર્થ સમજાવીએ. કાળી રોટી એટલે માલપુવા અને ધોળી દાળ એટલે દુધપાક.

ભગવાનને આજથી માત્ર સાદો ખોરાક (મગ) ધરાશે

નરેન્દ્રભાઇ મોદી પણ મંદિરને પ્રસાદ માટે મગ ભેટ ધરતા

રાજકોટઃ મામાને ઘેર સારી રીતે ખાઇ-પીને આવેલ ભગવાન જગન્નાથજી, ભાઇ બળભદ્ર અને બહેન સુભદ્રાને આજથી બે દિ' સુધી ઔષધીય ઓસડીયા સમો સાદો ખોરાક પીરસવામાં આવશે. ભગવાનને આજથી બે દિવસ સાદો ખોરાક આપવાના ભાગરૂપે બાફેલા મગ ધરવામાં આવશે. ભાવીકોને પ્રસાદરૂપે મગ પણ  આપવામાં આવશે. મગની સેવા ભાવીકો મોટે પાયે કરે છે. નરેન્દ્રભાઇ મોદી પણ  વર્ષો સુધી મગનો પ્રસાદ માટે મંદિરમાં ભેટ ધરતા.

(3:37 pm IST)