ગુજરાત
News of Friday, 13th July 2018

ડેન્ટલ કોર્સમાં ઘટયો વિદ્યાર્થીઓનો રસ? પ્રથમ રાઉન્ડ બાદ ૭૧% સીટ ખાલી રહી

એડમિશન લેવા માટે કુલ ૧,૧૨૫ સીટ હતી : જેમાંથી ૭૯૫ સીટ એટલે કે ૭૧% સીટ ખાલી રહી છે

અમદાવાદ તા. ૧૩ : આ વર્ષે પ્રથમ રાઉંડની પ્રવેશ પ્રક્રિયા બાદ ડેન્ટલમાં ૭૧ ટકા સીટ ખાલી રહી. સાથે જ મેડિકલમાં કુલ ૨૪૫ સીટ ખાલી રહી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજયુએટ મેડિકલ કોર્સિસ (ACPUGMEC)ના મતે ડેન્ટલ કોર્સમાં એડમિશન લેવા માટે કુલ ૧,૧૨૫ સીટ હતી. જેમાંથી ૭૯૫ સીટ એટલે કે ૭૧% સીટ ખાલી રહી છે.

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, ગુરુવારે એડમિશન કન્ફર્મ કરવાની અંતિમ તારીખ હતી. છેલ્લા દિવસે મેડિકલમાં કુલ ૨૪૫ સીટો ખાલી રહી છે. એડમિશન કમિટીના મતે, જે વિદ્યાર્થીઓએ એડમિશન નથી લીધા તેમને ફી વધારે લાગી હશે અથવા તો તેમણે ખોટા ડોમેસાઈલ સર્ટિફિકેટ સબમિટ કરાવ્યા હશે. આયુર્વેદના એડમિશન પૂરાં થયા બાદ જ વિદ્યાર્થીઓ ડેન્ટલમાં એડમિશન લેવાનું પસંદ કરે છે, તેમ સત્તાધિકારીઓનું કહેવું છે.

આયુર્વેદનું એડમિશન હજુ બાકી છે, કારણકે કાઉન્સિલ વિદ્યાર્થીઓને શોર્ટ લિસ્ટ કરી રહી છે. દરમિયાન, મેડિકલ અને ડેન્ટલ કોર્સના એડમિશનનો બીજો રાઉંડ પાછો ઠેલાયો છે, કારણકે ૧૫% ઓલ ઈન્ડિયા કવોટા માટે એડમિશન પ્રક્રિયા હજુ શરૂ નથી થઈ. ACPUGMECએ નિર્ણય કર્યો છે કે, રાજયની મેડિકલ કોલેજોમાં એડમિશન પ્રક્રિયાનો બીજો રાઉન્ડ ઓલ ઈન્ડિયા કવોટાના એડમિશનનો બીજો રાઉંડ પૂરો થયા પછી જ થશે.

સામાન્ય રીતે, ઓલ ઈન્ડિયા મેડિકલ કવોટામાં ખાલી રહેલી સીટ રાજય સરકારને આપવામાં આવે છે, જેથી તે પોતાના રાજયના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે. એડમિશન પ્રક્રિયાના ત્રીજા રાઉંડથી બચવા માટે ACPUGMEC ઓલ ઈન્ડિયા કવોટાની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બીજા રાઉન્ડના એડમિશનની પ્રક્રિયા હાથ ધરશે.

તો આ તરફ ગુજરાત યુનિવર્સિટીની ઈંગ્લિશ મીડિયમ કોલેજોમાં ૫,૪૬૦ સીટ ખાલી છે જયારે ૫,૪૪૬ સીટ ગુજરાતી મીડિયમમાં ખાલી છે. સત્તાધિકારીઓએ જણાવ્યું કે એડમિશનના બીજા રાઉન્ડ પછી આ સીટો ખાલી રહી છે. GU દ્વારા નિર્ણય લેવાયો છે કે એડમિશનનો ત્રીજો રાઉન્ડ વ્યકિતગત રૂપે થશે. GUના સત્તાધિકારીઓએ જણાવ્યું કે, કોમર્સ કોલેજોમાં ૧૨,૫૮૯ સીટો ખાલી છે. આ સિવાય BBAની ૯૩૩, BCAની ૩૩૫, MBAની ૩ અને MCAની ૬ સીટ ખાલી છે. કોમર્સ કોલેજોમાં વ્યકિતગત એડમિશન પ્રક્રિયા મંગળવારથી શરૂ થશે. વિદ્યાર્થીઓ આ એડમિશન માટે ૧૨-૧૪ જુલાઈ વચ્ચે પીન નંબર લઈને રજિસ્ટ્રેશન કરાવી શકશે.(૨૧.૮)

(11:42 am IST)