ગુજરાત
News of Friday, 13th July 2018

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર હવે કહેર બનીઃ અવિરત વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરઃ સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા જપ્ત કરાયેલા વાહનો ડુબી ગયાઃ અનેક જગ્યાએ વૃક્ષો અને દિવાલો ધરાશાયીઃ નવસારીના ગણદેવીમાં વેંગણિયા નદીમાં ભારે પૂર આવતા એક ગામ સંપર્કવિહોણુઃ રાજ્યમાં ૧૯૭ રસ્‍તાઓ બંધ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદની મહેર હવે કહેર બનતી જઈ રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ રાખ્યું છે. અવિરત પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને વડોદરાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.

સુરતમાં બુધવારે રાતથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેમાં જપ્ત કરવામાં આવેલા વાહનો વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા. રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડની ટીમ બોલાવવી પડી હતી. વરસાદને કારણે સુરતમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. તો અમુક જગ્યાએ દીવાલો ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે.

ઉપરવાસમાં વરસાદને કારણે મહુવા ખાતેથી પસાર થતી અંબિકા નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.

મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડવાને કારણે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ધોડાપૂર આવ્યું છે.

વલસાડના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં નવા નીર આવ્યા છે. હાલમાં નદી ભયજનક સપાટીએ વહી રહી છે.

વડોદરાની ડભોઈની ઢાઢર નદીમાં ધોડાપૂરને કારણે ડભોઈના 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

નવસારીના ગણદેવીમાં આવેલી વેંગણિયા નદીમાં પૂરને કારણે એક ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળ બંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે જિલ્લામાંથી પસાર થતી ઝાખરી નદી પર માલોઠા ગામની સિમમાં નેશનલ હાઇવે પરનો પુલનો એપ્રોચનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ પુલ પર વાહનવ્યવહાર બંધ કરાવવામાં આવ્યો હતો.

હવામાન વિભાગે હજી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતી સ્થિતિ હજુ વધારે ખરાબ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, દમણ, દાહોદ, પંચમહાલ, નર્મદા, ખેડા, મહીસાગર, છોટા-ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, દીવ, જૂનાગઢમાં વરસાદ ભારે વરસાદ પડી શકે છે. આગામી 14 અને 15 જુલાઈના રોજ અમદાવાદમાં સારો વરસાદ પડી શકે છે.

(5:53 pm IST)