ગુજરાત
News of Sunday, 13th June 2021

ગુજરાતમાં ઇલકેટ્રીક-ઇલેકટ્રોનિકસ વેપારમાં સામેલ વેપારીઓએ ધોકો પછાડયો : કરી પ્રોપર્ટી ટેકસમાં રાહતની માંગ

કોરોના કાળના ૧૪ માસમાં ખુબ જ નુકશાની ગયાનું જાહેર કરી ટેકસમાં માફી આપવા રજુઆત

નવી દિલ્હી: કોરોનાના કહેરમાં પંદર મહિનાથી સતત નુકસાની વેઠતાં આવેલા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સના વેપાર સાથે સંકળાયેલા નાના દુકાનદારોએ પણ તેમને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે છેલ્લા પંદર મહિનાથી તેમણે ઘણો વેપાર ગુમાવ્યો છે.

માર્ચ 2020થી મે 2021 સુધીના ચૌદ મહિનાના ગાળામાં તેમણે બહુ જ નુકસાની ખમવી પડી છે. તેમની પોતાની મૂડી પણ હાલ ખતમ થઈ ચૂકી છે. આ સંજોગોમા સરકાર તરફથી તેમને પ્રોપર્ટી ટેક્સમાં અને વીજળીના બિલ ઉપરાંત જીએસટીમાં રાહત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

વેપારીઓનું કહેવું છે કે ચૌદ મહિનાથી નુકસાન થયું હોવાથી વેપાર કરવા માટે બૅન્ક લોન લેવી પડે તેવી નોબત આવી ગઈ છે. બૅન્કમાંથી પૈસા ન મળે તો ખાનગી ફાઈનાન્સરો પાસેથી ઊંચા વ્યાજદરે પૈસા લેવાની તેમને ફરજ પડી રહી છે. આ ધિરાણ મેળવવા માટે દુકાનો કે પછી પોતાની માલિકીની અન્ય મિલકતો ગિરવે મૂકવાની દુકાનદારોને ફરજ પડી રહી છે એમ રીલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના હોદ્દેદારોનું કહેવું છે.

તેમનું કહેવું છે કે 2020માં કોરોનાને કારણે લૉકડાઉન આવતા સંપૂર્ણ ઉનાળાનો ધંધો ધોવાઈ ગયો હતો. 2021ના વર્ષમાં પણ માર્ચ મહિનાથી ચાલેલું લૉકડાઉન મે મહિનો પૂરો થયા પછી હળવું થયું હતું. આ સંજોગમાં બે બે મોટી સીઝન ગુમાવી હોવાથી વેપારીઓ પરેશાન છે.

ઉનાળામાં કૂલર, પંખા, એરકન્ડિશનર્સ જેવી આઈટેમ્સનું વેચાણ થઈ શક્યું નથી. સીઝન પહેલા બૅન્ક લોન લઈને કરી રાખવામાં આવેલી ખરીદી માથે પડી છે. બૅન્ક લોનના પૈસા ચૂકવવામાં પણ તકલીફ પડી રહી છે. એપ્રિલ-મે 2020માં માલ ન વેચાતા માલનો સ્ટૉક ગળામાં ભેરવાઈ ગયો હતો.

બીજો ઉનાળો પણ લગભગ એવો જ ગયો છે. ગોદામમાં પડયે પડયે માલને નુકસના પણ થયું છે. આ સંદર્ભમાં રીલીફ રોડના વેપારીઓએ પ્રધાનમંત્રીને આ સંદર્ભમાં એક પત્ર લખ્યો છે. આ પત્રની નકલ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પણ પાઠવવાનું આયોનજ કર્યું છે.

આ પત્રના માધ્યમથી તેમણે માગણી કરી છે કે 2020-21 અને 2021-22ના નાણાંકીય વર્ષના કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સમાં દરેક વેપારીને માફી આપવામાં આવવી જોઈએ. આ જ રીતે લૉકડાઉનના મહિનાઓમાં વીજળી વપરાય કે ન વપરાય નક્કી કરેલા લૉડના 85 ટકા બિલ ભરવું જ પડયું છે. તેમાં સરકાર દ્વારા લેવામાં આવેલા વેરાની માફી આપવાની પણ માગણી કરવામાં આવી છે.

(12:12 pm IST)