ગુજરાત
News of Saturday, 12th June 2021

સુરતમાં સ્મીમેર હોસ્પિટલના બે કોરોના વોરીયર્સ દંપતી: સજોડે દર્દીઓની સારવાર સાથે પરિવારની જવાબદારીને પણ પ્રાધાન્ય

કોરોના વોરીયર્સ એ તનતોડ મહેનત કરીને અનેક દર્દીઓને બચાવ્યા

 

સુરતમાં કોરોનાના કહેર સામે કોરોના વોરીયર્સ એવા ડોકટરોએ તનતોડ મહેનત કરીને અનેક દર્દીઓને બચાવ્યા છે. સ્મીમેર હોસ્પિટલના એવા બે કોરોના વોરીયર્સ દંપતી જે દર્દી નારાયણની સેવા સાથે પરિવારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

સુરત શહેરમાં જ્યારે કોરોના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો ત્યારે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટના માર્ગદર્શન હેઠળ 2020માં જ ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિસ (ICN) નામની એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી.

આ ટીમમાં આસિસ્ટન્ટ મયુર પટેલ, નિમિષા પરમાર, મિત્તલ શાસ્ત્રી અને ઝંખના ખત્રી ઓપીડી તથા આઈપીડી વિભાગને જોડતા સેતુ બન્યા છે.

સેવામાં તત્પર સ્મીમેર હોસ્પિટલની આ ICN ટીમ દાખલ થયેલા કોરોના દર્દીને યોગ્ય સારવાર મળે એ માટે ટીમવર્કની ભાવના સાથે સતત જવાબદારી નિભાવી રહી છે. દર્દી હોસ્પિટલમાં આવે કે તરત જ સ્ટ્રેચર પરથી બેડ સુધી લઈ જવા અને સાજા થઈને ઘરે જાય ત્યાં સુધીની સારવાર આ ટીમના સભ્યો કરી રહ્યા છે

 

કોરોના વોરિયર આશિષ ટંડેલ  અને મયુર પટેલ સેવારત છે. તેમની પત્નીઓ પણ સ્મીમેરમાં સારવાર આપી આપી છે. દર્દીઓની સેવામાં સજોડે ફરજ નિભાવતા આ પટેલ અને ટંડેલ દંપતી એ પરિવારની જવાબદારી સાથે ફરજને પ્રાધાન્ય આપ્યું છે.

આઇસીએન ટીમના હીરો આશિષ ટંડેલ અને તેમના સ્ટાફ નર્સ પત્ની જિજ્ઞાસાબેન સ્મિમેરમાં સેવા આપી રહ્યા છે. પોતાના ત્રણ અને નવ વર્ષના બે બાળકોને ઘરે મૂકીને તેઓ દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે.પોતાની ફરજ અને બાળકો પ્રત્યેની જવાબદારી પણ નિભાવે છે.

આશિષ ટંડેલ અને તેમના સ્ટાફ નર્સ પત્ની જિજ્ઞાસાબેન કહે છે, “ક્યારેક એમ થાય કે અમને પણ આરામની જરૂર છે. હાલ લોકોના આરોગ્યની જવાબદારી અમારા શિરે છે, જેથી જ્યારે દેશ કોરોનાથી મુક્ત થશે, ત્યારે ઘર પરિવાર સાથે આનંદની ક્ષણો વીતાવીશું”

કોરોના વાયરસની બીજી લહેરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે થોડો હાશકારો જરૂર થયો છે. પરંતુ હજી પણ બેદરકાર રહીશું તો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ મળશે. જેથી ફરીવાર આવી સ્થિતિનું નિર્માણ થાય એનું પણ આપણે સૌએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

(12:42 am IST)