ગુજરાત
News of Thursday, 13th June 2019

સિવિલમાં સપ્તાહમાં સેંકડો બોટલ બ્લડ એકત્ર કરાશે

૧૪-૨૦ જૂન વચ્ચે વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેની ઉજવણીઃ વિદ્યાર્થીઓ, તબીબો અને સ્ટાફ દ્વારા પણ રક્તદાન કરાશે

અમદાવાદ,તા.૧૩: આવતીકાલે તા.૧૪ થી ૨૦ જૂન દરમ્યાન વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેની ઉજવણી થનાર છે ત્યારે એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેની એક સપ્તાહ સુધી અનોખી ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. સિવિલ હોસ્પિટલમાં તો એક દિવસ એડવાન્સ એટલે કે, આજથી જ બ્લડ ડોનેશનનું આયોજન કરી દેવાયું હતું. તા.૧૪થી ૨૦ જૂન સુધીના આ એક સપ્તાહ દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં સેંકડો બોટલ બ્લડ એકત્ર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અને રેડ રીબન કલબના સંયુકત ઉપક્રમે રકતદાન કાર્યક્રમની સાથે સાથે સિવિલ કેમ્પસમાં આવેલી વિવિધ સંસ્થાઓ અને ઇન્સ્ટટયુટ્સ વિદ્યાર્થીઓ અને સ્ટાફને પણ બ્લડ ડોનેશન અંગે જાગૃત કરવામાં આવશે. આ એક સપ્તાહ દરમ્યાન સિવિલ હોસ્પિટલ, બી.જે.મેડિકલ, નર્સિંગ કોલેજ, ડેન્ટલ કોલેજ સહિતની સંસ્થાના હજારો મેડિકલ સ્ટુડન્ટસ, સ્ટાફ અને તબીબો રકતદાન કરશે એમ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર અને રેસીડેન્ટ ડોકટર, કોમ્યુનીટી મેડિસીન યોગેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં અને સમગ્ર વિશ્વમાં તા.૧૪થી ૨૦ જૂન દરમ્યાન વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં બી-ટુ વોર્ડના બ્લડ બેંક વિભાગ ખાતે રકતદાન એકત્રિકરણના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રકતદાન અભિયાનમાં માત્ર સિવિલ હોસ્પિટલ અને તેની સંસ્થાના મેડિકલ સ્ટુડન્ટ્સ, સ્ટાફ અને તબીબો જ નહી પરંતુ આમજનતા પણ સ્વેચ્છાએ રકતદાન કરી શકશે. સવારે ૯-૦૦ વાગ્યાથી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી બ્લેડ ડોનેશન કેમ્પ એક સપ્તાહ સુધી સતત ચાલુ રખાશે. વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેની ઉજવણીને લઇ સમગ્ર સપ્તાહ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે જાગૃતિ રેલી, લોકસંવાદ સહિતના કાર્યક્રમો પણ યોજાશે અને જાહેરજનતાને મહત્તમ રકતદાન માટે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાશે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે ઉમેર્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સિવિલહોસ્પિટલ સંકુલમાં આ રકતદાન સપ્તાહની ઉજવણીકરવામાં આવે છે અને તેના મારફતે માત્ર એક જ સપ્તાહમાં સેંકડો બોટલ રકત એકત્ર કરવામાં આવશે. જે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં ગરીબ અને જરૂરિયાતમંદોને ઇમરજન્સી અને સારવારમાં ઉપયોગમાં લેવાય છે. આ સિવાય આમજનતામાં પણ કોઇ ઇમરજન્સી કે જરૂરિયાત ઉભી થાય તો આ એકત્રિકરણ કરાયેલ બ્લડમાંથી તે આપવામાં આવે છે. તેમણે તા.૧૪થી ૨૦ જૂન સુધીના સપ્તાહમાં મહત્તમ રકતદાન કરવા પણ જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.

(9:45 pm IST)