ગુજરાત
News of Thursday, 13th June 2019

અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદ : લોકોને રાહત

પવનનું જોર એટલું હતું કે, વાહનો ફંટાઇ ગયા : સરખેજ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ, તા.૧૩ : વાયુ વાવાઝોડાની સૌથી વધુ અને ખતરનાક અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વર્તાઇ હતી તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર વર્તાઇ હતી. આજે સાંજ સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પર તેની અસર વર્તાઇ ગઇ હતી અને વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યો હતો. જોરદાર પ્રંચડ તીવ્રતા સાથે પવન ફુંકાવાની સાથે સાથે અચાનક ભારે વરસાદ અમદાવાદ શહેરમાં તૂટી પડયો હતો. શહેરના એસ.જી.હાઇવે, સરખેજ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, વાસણા, વસ્ત્રાપુર અને જીવરાજપાર્ક, મણિનગર, પાલડી, ગુરૂકુળ, મેમનગર, ઘાટલોડિયા, સોલા રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સમી સાંજે ફુંકાયેલા પવનની તીવ્રતા એટલી જોરદાર હતી કે, માર્ગો પર દોડતા વાહનો પણ એક સમયે ફંટાઇ ગયા હતા, જેને લઇ વાહનચાલકોને પોતાના વાહનો રસ્તા પર સાઇડમાં થોભાવી દેવાની ફરજ પડી હતી. સમી સાંજે પડેલા વરસાદને લઇ શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને શહેરીજનોને ગરમીના ઉકળાટમાંથી કંઇક અંશે રાહત મળી હતી. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. એકબાજુ, રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ વાયુ વાવાઝોેડુ ત્રાટકે તેની દહેશત પ્રવર્તી રહી હતી અને તેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના પંથકો અને ખાસ કરીને ત્યાંના દરિયાકાંઠાના પટ્ટાના વિસ્તારોમાં જોરદાર પવન, વરસાદ અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે બીજીબાજુ, સમી સાંજે અમદાવાદ શહેરમાં પણ હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જોરદાર પવન ફુંકાવાનું શરૂ થઇ ગયું હતુ. પવનનું જોર એટલું હતું કે, વાહનચાલકોના વાહનો માર્ગો પર ફંટાઇ જતા જોવા મળતા હતા, જેના કારણે તેઓને તેમના વાહનો સાઇડમાં ઉભા રાખી દેવાની ફરજ પડી હતી. થોડી જ વારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો.શહેરના  એસ.જી.હાઇવે, સરખેજ, સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, વાસણા, વસ્ત્રાપુર અને જીવરાજપાર્ક, મણિનગર, પાલડી, ગુરૂકુળ, મેમનગર, ઘાટલોડિયા, સોલા રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તો, કેટલાક નીચાણવાળા વિસ્તારમાં તો વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદી ઝાપટાંને લઇ ચોમાસાનો માહોલ સર્જાયો હતો અને શહેરીજનોમાં પણ ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં વાતાવરણ ઠંડકમય બની ગયું હતું અને શહેરીજનોને ગરમી અને બાફના ઉકળાટમાં કંઇક અંશે રાહત મળી હતી. અમદાવાદમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહી શકે છે. આજે તમામ એકાએક ઘટીને ૩૫.૬ થતાં તીવ્ર ગરમીથી રાહત મળી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન એકાએક ગગડી જતાં ગરમીથી લોકોને રાહત મળી છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જોરદારરીતે વધી રહ્યું છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૩૫.૬

ડિસા............................................................ ૩૫.૨

ગાંધીનગર................................................... ૩૭.૩

વીવીનગર.................................................... ૩૭.૧

વડોદરા........................................................ ૩૬.૬

સુરત............................................................... ૩૩

વલસાડ........................................................ ૩૪.૯

અમરેલી....................................................... ૨૮.૪

ભાવનગર........................................................ ૩૨

રાજકોટ........................................................ ૩૧.૬

સુરેન્દ્રનગર................................................... ૩૪.૩

ભુજ............................................................. ૩૫.૮

કંડલા એરપોર્ટ............................................... ૩૬.૫

(7:37 pm IST)