ગુજરાત
News of Thursday, 13th June 2019

પેટલાદમાં કોલેજ ચોકડી નજીક રાત્રીના સુમારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 84 હજારની મતાની ઉઠાંતરી કરી

પેટલાદ: શહેરની કોલેજ ચોકડી પાસે આવેલી ભગવતી સોસાયટીમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનની પાછળના ભાગની જાળી તોડીને અંદર ઘુસી સોના-ચાંદીના દાગીના, રોકડ વગેરે મળીને કુલ ૮૪૫૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. 

ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી ઈલાબેન ગીરીશભાઈ ધોબી પરિવાર સાથે પેટલાદની કોલેજ ચોકડી પાસેની ભગવતી સોસાયટીમાં રહે છે અને ઈસ્ત્રી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સુમારે જમી પરિવારીને મકાનની પાછળની જાળીને તેમજ દરવાજાને સ્ટોપર મારીને આગળના દરવાજે તાળુ મારી દીધું હતુ. ત્યારબાદ તેઓ ગરમીથી બચવા માટે ધાબા પર સુઈ ગયા હતા. વહેલી સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે ઉઠેલા ઈલાબેને જોયું તો પ્રથમ ખંડનો દરવાજો બંધ હતો, જેથી પાછળ જઈને જોતાં જાળી તથા દરવાજો ખુલ્લો હતો એ તપાસ કરતા ઘરના બીજા ખંડની તિજોરી ખુલ્લી હતી અને બધો સામાન વેરવિખેર પડેલો હતો. 

(5:31 pm IST)