ગુજરાત
News of Thursday, 13th June 2019

અમદાવાદની કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીનો મેનેજર કરોડોનું સોનુ અને રોકડ લઇને ફરાર

તમામ સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા અને ત્યાર બાદ ચોરી કરી

અમદાવાદના મેઘાણીનગરમાં કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીના ખાતેદારોએ જમા કરાવેલા સોનાના દાગીના અને રૂપિયાની બારોબાર ઉચાપત થયાની પોલીસ ફરિયાદ થઇ છે. ફાઈનાન્સ કંપનીનાે બ્રાન્ચ મેનેજર ખાતેદારોએ જમા કરાવેલા રૂ.૨.૩૨ કરોડના સોનાના દાગીના અને ૨.૮૩ લાખની રોકડ રકમ લઈને ફરાર થઇ ગયો છે.

મેનેજર ચોરી કરવા માટે ફાઇનાન્સ કંપનીના તમામ સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા અને ત્યાર બાદ ચોરી કરી હતી. નાના ચિલોડા પાસે આવેલ શ્યામ શરણમ્ રેસિડન્સીમાં રહેતા અને મેઘાણીનગરની ફાઈનાન્સ કંપનીમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતાં દીપા આહુજાએ કંપનીના બ્રાન્ચ મેનેજર અમીધર બારોટ (ન્યુ રાણીપ) સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ બ્રાન્ચમાં ત્રણ બ્રાન્ચ મેનેજર કામ કરે છે.

કોસામટ્ટમ ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચમાં ગ્રાહકોને સોના સામે લોન આપવામાં આવે છે અને ગ્રાહકોનું સોનું લોકરમાં મૂકવામાં આવે છે. મેઘાણીનગર બ્રાન્ચમાં બે તિજોરી આવેલી છે, જેમાં બંને તિજોરીમાં અલગ અલગ ત્રણ ચાવીઓ લગાવવાથી લોકર ખૂલે છે, જેમાંથી બન્ને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહે છે, જ્યારે એક ચાવી દીપા પાસે રહે છે.

બુધવારે બ્રાન્ચ મેનેજર અમીધર અને દીપા સાંજના છ વાગ્યાની આસપાસ બ્રાન્ચ બંધ કરીને ઘરે ગયાં હતાં અને બ્રાન્ચનો છેલ્લો સ્ટોક જે તિજોરીમાં સોનું રાખ્યું હતું તે કુલ ૫૯૩ પેકેટ હતાે. તિજોરીમાં મૂકેલ ૧૪૦૪૭.૯૨ ગ્રામ સોનાનું પેકેટ કે જેની કિંમત રૂપિયા ૨.૩૨ કરોડ હતી અને રોકડ રકમ રૂ.૨.૮૩ લાખ હતા.

વહેલી સવારના નવ વાગ્યે દીપા ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું અને શટર ખોલ્યા બાદ અંદર પ્રવેશ કરીને જોતાં અંદર બે તિજોરીમાંથી એક તિજોરી ખુલ્લી હતી. દીપાએ તિજોરી ખોલી તો સોનાનાં પેકેટ મૂકેલ પતરાનાં બોક્સ ખાલી હતાં. બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર અમીધરને આપેલ ચાવીઓ ઓફિસના ટેબલ પર પડી હતી. તે ચાવીઓ વડે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ ગ્રાહકોનાં જે સોનાનાં પેકેટ મૂકેલાં હતાં તે પણ ગાયબ હતાં.

જેથી દીપાએ બ્રાન્ચ મેનેજર અમીધરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બ્રાન્ચ મેનેજર અમીધરે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. બ્રાન્ચ મેનેજર અમીધરનો ફોન બંધ આવતાં હેડ ઓફિસમાં ચોરી થઇ હોવાની જાણકારી આપી હતી. એવું પણ માનવામાં આવે છે કે ગઈ કાલે બ્રાન્ચ મેનેજર અમીધર ઓફિસમાં એક મોટી બેગ લઈ આવ્યાે હતાે અને તે બહારગામથી આવેલ હોવાનું સ્ટાફના માણસોને જણાવ્યું હતું.

પરંતુ સાંજે પરત જતાં બેગ ઘરે ન લઇ જતાં ઓ‌િફસમાં જ મૂકી દીધી હતી. અમીધર તિજોરી ખોલીને રોકડ ર.૮૩ લાખ તથા ગ્રાહકોના દાગીના કિંમત રૂ.ર.૩ર કરોડ, કુલ ર.૩પ કરોડ રૂપિયાની મતા, જેની ચોરી કરીને બેગમાં મૂકીને ફરાર થઇ ગયો હતો.

જેથી હેડ ઓફિસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગઇ કાલે દીપાબહેને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બ્રાન્ચ મેનેજર અમીધર વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રાન્ચ મેનેજર અમીધર છેલ્લા કેટલાય સમયથી ગ્રાહકોના રૂપિયા તેમજ સોનાના દાગીના લઈને છુમંતર થવાની ફિરાકમાં હતો. ત્યારે ગઈકાલે તેને ફાઈનાન્સ કંપનીના સીસીટીવી કેમેરા તથા ડીવીઆર બંધ કરી દીધા હતા અને ત્યાર બાદ બે કર્મચારીઓની જાણ બહાર ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટર પી.જી. સરવૈયાએ જણાવ્યું છે કે, મેનેજરને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી છે. પોલીસને બાતમી મળી છે કે મેનેજર સોનું તથા રોકડ રકમ લઈ વીસનગર ફરાર થયો છે. તેથી એક પોલીસની ટીમ ત્યાં રવાના કરી છે.

(1:10 pm IST)