ગુજરાત
News of Thursday, 13th June 2019

અનુપમસિંહ ગેહલોતના અભિયાનની કેરળ હાઇકોર્ટે નોધ લીધીઃ કેરળમાં અમલ

વિદ્યાર્થીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી ઉગારવા વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા ઉપયોગમાં લેવાતી દેશની પ્રથમ 'ડ્રગ્સ કીટ'ની કીર્તી ગુજરાતના સીમાડા વટાવી ગઇ : યુરોપથી ખાસ પ્રકારની આયાત થયેલી ડ્રગ્સ કીટ મારફતે ડ્રગ્સનું સેવન થયું છે કે કેમ? તેનો ઓન ધ સ્પોટ રીપોર્ટ મળે છેઃ વિદ્યાર્થીઓ સામે ગુન્હા દાખલ કરવાને બદલે માતા-પિતાને સાથે રાખી તેને સુધારવામાં આવે છે

રાજકોટ, તા., ૧૩: વડોદરામાં ચિંતાજનક રીતે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓમાં  ડ્રગ્સનું પ્રમાણ વધી રહયાનું તારણ વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના અભ્યાસમાં નિકળતા જ તેની ગંભીરતા સમજી નાની વયના વિદ્યાર્થીઓની કારકીર્દી  અકાળે મુરઝાઇ ન જાય અને માતા-પિતાના સ્વપ્ન રોળાઇ ન જાય તે માટે લાંબી વિચારણા બાદ દેશમાં સર્વ પ્રથમ વખત વડોદરામાં સંબંધક વ્યકિતએ ડ્રગ્સનું સેવન કર્યુ છે કે કેમ? તેનો રીપોર્ટ ઓન ધ સ્પોટ આપતી ડ્રગ્સ કીટની કીર્તી ગુજરાતના સીમાડા વટાવી   કેરળ રાજય સુધી પહોંચી છે. આવી ડ્રગ્સ કીટની જાણ કેરળ હાઇકોર્ટને થતા જ કેરળ હાઇકોર્ટે સુઓમોટો દ્વારા કેરળ સરકારને અનુપમસિંહ ગેહલોતના અનેરા અભિયાનના હથીયાર સમી ડ્રગ્સ કીટનો અમલ કરવા આદેશ આપતા જ ગુજરાતીઓમાં હર્ષની લાગણી જન્મી છે.

ઉકત બાબતે વડોદરાના પોલીસ કમિશ્રર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં કેરળ હાઇકોર્ટ દ્વારા વડોદરા પોલીસ દ્વારા ડ્રગ્સ કીટ દ્વારા સફળ રહેલ અભિયાનની નોંધ લઇ કેરળ સરકારને અમલ કરવા સુચવ્યું હોવાની બાબતને સમર્થન આપ્યું હતું. કેરળમાં આ પ્રકારની વિદ્યાર્થીઓમાં બદી વ્યાપક બનતા અને હાઇકોર્ટમાં ચાલતી એક પીટીશનમાં વડોદરા પોલીસ દ્વારા ડ્રગ્સ કીટના ઉપયોગનો ઉલ્લેખ થતા હાઇકોર્ટે આ બાબતની નોંધ લીધી હતી.

દારૂની માફક ડ્રગ્સ સેવન અંગેની માહીતી સહેલાઇથી મળી શકે તેમ ન હોય તે માટે યુરોપથી વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ પ્રકારની ખાસ કીટ મંગાવી વિદ્યાર્થીઓનું પ્રમાણ જયા વધુ હોય છે ત્યાં પહોંચી તેમની લાળ અને યુરીનની તપાસ દ્વારા રીપોર્ટ મેળવવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓને ગુન્હેગાર ગણી તેની સામે કેસ કરવામાં આવે તો આવા નિર્દોષ વિદ્યાર્થીઓની કારકીર્દી રોળાઇ જાય. આવુ ન બને તે માટે આવા વિદ્યાર્થીઓને અલગ કરી તેમના માતા-પિતાને બોલાવી વિદ્યાર્થીઓ સાથે કાઉન્સલીંગ કરી વિદ્યાર્થીઓને સમજાવી, ડ્રગ્સનું વ્યસન દુર કરતી સંસ્થાઓમાં મોકલી આપવાથી સંખ્યાબંધ વિદ્યાર્ર્થીઓની જીંદગી મહેકી ઉઠી છે. માતા-પિતા પણ પોલીસ કમિશ્નર તથા તેમની ટીમના આવી પ્રસંશનીય કામગીરી બદલ અભિનંદન આપવા સાથે પોતાના સંતાનોની કારકીર્દી રોળાઇ જતી અટકાવવા બદલ દિલથી આભારની લાગણી વ્યકત કરવામાં આવતી હોય છે.

(11:36 am IST)