ગુજરાત
News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થયો

ઉત્તર-મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો : પોરબંદર, સુરત, સાપુતારા, આહવા, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ : ભારે વરસાદની ચેતવણી અકબંધ

અમદાવાદ,તા. ૧૨ : વાયુ વાવાઝોડાની અસર હેઠળ આજે ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. બીજી બાજુ ભારે વરસાદની ચેતવણી પણ તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે વાયુ વાવાઝોડાના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી, તે મુજબ, આજ સવારથી જ સુરત, વડોદરા, વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો, તો, સુરતના ઓલપાડ, વરાછા, ઉધના, તાપી, નવસારી, વલસાડના તીથલ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ તૂટી પડયો હતો. બીજીબાજુ, સૌરાષ્ટ્રના ઉના, દીવ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરાના ભાટિયા ખાતે બહુ ભારે વરસાદ પડયો હતો, જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે ઉત્તર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં થોડો ઘણો પલ્ટો નોંધાયો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર જિલ્લાના લુણાવાડા સહિતના સ્થળોએ આજે વરસાદી છાંટણાં તો કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ નોંધાયો હતો. તો તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાનની દહેશત વ્યકત કરવામાં આવી હોઇ અહીંના લોકોમાં સ્વાભાવિક ચિંતા અને ફફડાટની લાગણી ફેલાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી અને દાહોદમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની કોઈ ખાસ અસર મળશે નહીં. માત્ર વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.

નીચાણવાળા કોસ્ટલ એરિયા જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ૧.૫થી ૨ મીટરથી વધુ ઉંચા મોજા ઉછળે તેવી શક્યતાઓ છે. વાયુ વાવાઝોડાં દરમ્યાન સૌથી વધુ નુકસાન કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં થઈ શકે તેવી તંત્ર દ્વારા દહેશત વ્યકત કરાઇ છે. જો કે, વાવાઝોડું ત્રાટકે તોય પણ તેમાં ઓછામાં ઓછુ નુકસાન થાય તેવી તમામ તૈયારીઓ અને આગોતરા આયોજન કરવામાં આવ્યા છે.

(9:04 pm IST)