ગુજરાત
News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડુ પહેલા લાખો લોકોનું સ્થળાંતર કરી દેવાયું

રાજ્યના ૧૦ અસરગ્રસ્ત જિલ્લામાં કામગીરી : પાટનગર ગાંધીનગર મુખ્ય કન્ટ્રોલ રૂમમાં ૧૪ સિનિયર અધિકારીઓની પરિસ્થિતિ પર ચાંપતી નજર : પંકજકુમાર

અમદાવાદ, તા. ૧૨ : મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજ કુમારે આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવી રહેલા વાયુ વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટીતંત્ર સુસજ્જ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ જેએન સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ દરિયાકાંઠાના અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરી હતી. પંકજ કુમારે કહ્યું હતું કે, ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે જેમાં ૧૪ જેટલા સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પંકજે એમ પણ કહ્યું હતું કે, રાજ્યના દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થનાર છે. આ વાવાઝોડું આવતીકાલે બપોર સુધી ત્રાટકે તેવા સંકેત મળી રહ્યા છે. સ્થાનિક કક્ષા પર જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં લાખો લોકોનું સ્થળાંતર થઇ ચુક્યું છે. રાજ્યમાં ઉભી થયેલી સ્થિતિના સંદર્ભમાં કેન્દ્ર સરકારની ટીમ પણ મદદમાં લાગી ગઈ છે. હજુ સુધી ૪૭ જેટલી એનડીઆરએફની ટીમ ફાળવી દેવામાં આવી છે. એસડીઆરએફની ૧૧ ટીમો, મરીન પોલીસ પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. સેનાની ૩૪ ટીમો પણ ગુજરાતમાં પરિસ્થિતિને પહોંચી વળવા ખડેપગે હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય કન્ટ્રોલ રુમથી સંકલનની કામગીરી ચાલી રહી છે. રાજ્યભરના ૧૦ જિલ્લાઓમાંથી ટીમોને ખસેડવામાં આવી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરન્જન્સી ઓપરેશન ટીમ બનાવવામાં આવી છે.

(7:29 pm IST)