ગુજરાત
News of Wednesday, 12th June 2019

સુરતના આસી. ચેરીટી કમિશ્નર આર.વી.પટેલ અને ચાટર્ડ એકાઉન્ટન્ટ મનીષ પચીગર ૭પ હજારની લાંચના છટકામા ઝડપાયા : મચ્છુ કઠીયા સઇ-સુથાર જ્ઞાતિના ટ્રસ્ટના કામે લાંચની માંગણી કરેલી

રાજકોટઃ સુરતના આસી. ચેરીટી કમિશ્નર રમેશભાઇ વિરમભાઇ પટેલ તથા ચાટર્ડ એકાઉન્ટન્ટ મનીષ દિલીપભાઇ પચીગર રૂ. ૭પ હજારની લાંચ લેતા સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.કે.વનાર તથા ટીમના હાથે ઝડપાઇ ગયાનું એસીબી સુત્રો જણાવે છે.

         સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપરવીઝન હેઠળના આ છટકા અંગે એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એક જાગૃત ફરીયાદીએ એસીબીમાં એવા મતલબના આરોપસરની ફરીયાદ કરી હતી કે શ્રી મચ્છુ કઠીયા સઇ-સુથાર જ્ઞાતિના ટ્રસ્ટના કારોબારી મંડળના ફેરફાર રીપોર્ટ મંજુર કરાવવા માટે ચેરીટી કમિશ્નર ઓફીસનો સંપર્ક સાધતા આરોપી આસી. ચેરીટી કમિશ્નર રમેશભાઇ વિરમભાઇ પટેલએ ફરીયાદી પાસે રૂ.૭પ હજારની માંગણી કર્યાની ફરીયાદ કરી હતી.

         ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કરતા એસીબી દ્વારા લાંચનુ છટકું ગોઠવી ચાટર્ડ એકાઉન્ટન્ટ મનીષ દિલીપભાઇ પચીગર મારફતે લાંચની રકમ આસી. ચેરીટી કમિશ્નરે પોતાની ઓફીસમાં સ્વીકારતા બંનેને સ્થળ પર ઝડપી લેવામાં આવ્યા હતા. તેમ વિશેષમાં એસીબી સુત્રો જણાવે છે.

(5:32 pm IST)