ગુજરાત
News of Wednesday, 13th June 2018

હિપોલીન કેસઃકબ્જો નહિ મળે તો બંગલાની બહાર જ અનશન કરવાની પણ વિવેક શાહની ચીમકી

વિવેક શાહ અને તેના પિતા બંગલાનો કબજો પરત લેવા માટે બંગલા પર પહોંચ્યા

 

અમદાવાદ :અમદાવાદમાં હિપોલીનના પૂર્વ ડાયરેક્ટર વિવેક શાહ અને તેના પિતા બંગલાનો કબજો પરત લેવા માટે બંગલા પર પહોંચ્યા હતા તેમના બંગલા ઉપર રાહુલ સોની અને તેના મળતીયાઓએ પચાવી પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો વિવેક શાહ અને તેના પિતા તેમનો બંગલો પાછો મેળવવા માટે બંગલા પર પહોંચ્યા હતા. જ્યાં સુધી કબજો મળે ત્યાં સુધી બંગલાની બહાર અનશન કરવાની ચીમકી પણ વિવેક શાહે ઉચ્ચારી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના અમદાવાદ શહેર યુવા મોરચાના મંત્રી રાહુલ સોનીએ હિપોલિન કંપનીના માલિક સુભાષભાઈ શાહના દીકરા વિવેકને આપેલા રૂપિયા 80 લાખની સામે રૂપિયા 8 કરોડ કરતાં પણ વધારેની મિલકતો-પૈસા-દાગીના પડાવી લીધા છે.વિવેકે ધંધા માટે માસિક દોઢ ટકાના વ્યાજે રાહુલ પાસેથી પૈસા લીધા હતા. જેનું વિવેકે રેગ્યુલર વ્યાજ ચૂકવ્યું હોવા છતાં રાહુલે રોજના દોઢ ટકા વ્યાજ લેખે 8 કરોડની ઉઘરાણી બાકી કાઢી હતી.8 કરોડ  વસૂલ કરવા રાહુલે વિવેકના પત્ની નિયતિ અને દીકરા માહિનના લમણે રિવોલ્વર મૂકીને બંગલો, પ્લોટ, ગાડીઓ, ફ્લેટ, દાગીના પડાવી લીધા હતા.      
    2014
થી શરૂ થયેલી ઉઘરાણી માર્ચ 2018 સુધી ચાલુ રહી હતી. આખરે તા. 20 માર્ચ 2018 ના રોજ વિવેક સારવાર માટે રાજસ્થાન ગયો હતો અને તેના માતાપિતા કેનેડા ગયા હતા ત્યારે રાહુલ 25 બાઉન્સરો સાથે સેટેલાઈટ નિશાંત બંગ્લોઝ ખાતેના બંગલામાં ઘૂસી ગયો હતો. રાહુલે બંગલે તેના બાઉન્સરો બેસાડી દીધા હતા અને બંગલામાંથી 5 ટ્રક ભરીને રૂ. 2.50 કરોડની કિંમતના ફર્નિચર અને દાગીના લઇ ગયો હતો.

  અંગે વિવેકભાઇ સુભાષભાઇ શાહ(38)(શાંતિ એપાર્ટમેન્ટ, બોડકદેવ) રાહુલ ઘનશ્યામભાઇ સોની વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાહુલ અને તેના માણસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાહુલ ભાજપના અમદાવાદના યુવા મોરચાનો મંત્રી હતો પરંતુ તેને હોદ્દા પરથી 4 મહિના પહેલા કાઢી મૂક્યો હોવાનું ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે જણાવ્યું હતું

(12:34 am IST)