ગુજરાત
News of Wednesday, 13th June 2018

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટીના સભ્યો કાલે જાહેર

વિપક્ષના નેતાની પસંદગી આગામી સપ્તાહમાં : અમ્યુકોમાં કાલે બોર્ડની મહત્વની બેઠકમાં નામો ઉજાગર કરાશે : વિપક્ષના નેતાપદ માટે કોંગ્રેસમાં ભારે ખેંચતાણ

અમદાવાદ,તા.૧૩ : ગત ઓક્ટોબર-ર૦૧પમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સતત હેટ્રિક નોંધાવીને સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. હાલની ટર્મના મેયર સહિતના હોદ્દેદારોની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થવાની હોઇ આવતીકાલે સવારે ૧૧.૦૦ વાગ્યે મળનારી સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્યની ચૂંટણી યોજાશે. દરમ્યાન વિપક્ષી નેતાની પસંદગી માટે કોંગ્રેસ હાઇકમાન્ડ મેયરની ચૂંટણી જીત્યા બાદ બેઠક યોજવાનું નક્કી કર્યું છે. અમ્યુકોમાં વિપક્ષના નેતાપદે હાલ દિનેશ શર્મા છે. તેમની સામે શહેરના કોંગ્રેસના ચાર ધારાસભ્ય પૈકી બે ધારાસભ્યએ ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે, જ્યારે લઘુમતી સમાજનું પ્રતિનિધિત્વ કરતા અન્ય બે ધારાસભ્ય સૂચક મૌન પાળી રહ્યા છે. શહેર કોંગ્રેસની જેમ મ્યુનિસિપલ કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ અને રોષ ચરમસીમાએ છે. મ્યુનિસિપલ કોંગ્રેસમાં તો થોડા દિવસ પહેલાં દિનેશ શર્માને હટાવવા માટે રીતસરની સહીઝુંબેશ ચાલી હતી. અત્યારે પણ મ્યુનિસિપલ કોંગ્રેસના નેતાનો મોભાદાર હોદ્દો મેળવવા કેટલાક સિનિયર કોર્પોરેટર અને નવા-સવા કોર્પોરેટર પણ મેદાનમાં ઉતરવા તત્પર બનીને બેઠા છે. આ વખતે મહિલા મેયરની વરણી થવાની હોઇ અમુક મહિલા કોર્પોરેટરોએ પણ પોતાના ગોડફાધરના આશીર્વાદ મેળવીને નેતાપદની સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. છેક ફેબ્રુઆરી-૧૯૮૧થી વિપક્ષના નેતાના કાાર્યકાળનો ઇતિહાસ તપાસીએ તો વર્તમાન ધારાસભ્ય હિંમતસિંહ પટેલ બે વખત વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, જેમાં પહેલી વખત તેમને સતત પાંચ વર્ષ માટે નેતાપદે ચાલુ રખાયા હતા. જ્યારે છેલ્લી ઓકટોબર-ર૦૧૦થી ડિસેમ્બર-ર૦૧પની ટર્મમાં બદરુદ્દીન શેખ સળંગ પાંચ વર્ષ માટે નેતાપદે હતા. હવે દિનેશ શર્માને રિપીટ કરાશે કે તેમના સ્થાને નવા નેતાની પસંદગી કરાશે તેનું ચિત્ર આગામી અઠવાડિયામાં સ્પષ્ટ થઇ જશે. દરમ્યાન આ અંગે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ અમિત ચાવડાને પૂછતાં તેઓ કહે છે, શહેરના ચારેય ધારાસભ્યમાં મ્યુનિસિપલ વિપક્ષના નેતાની પસંદગીના મામલે કોઇ મતભેદ નથી, પરંતુ મેયરની ચૂંટણી પત્યા બાદ આ માટે ધારાસભ્યને વિશ્વાસમાં લઇને પક્ષ નિર્ણય લેશે.

(8:06 pm IST)