ગુજરાત
News of Wednesday, 13th June 2018

લોગ ઇન વિના ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ સંદર્ભે માહિતી મળશે

આઇઆરસીટીસીની વેબસાઇટમાં નવી સુવિધા : આઇઆરસીટીસીની વેબસાઇટ નવા ફિચર્સ સાથે લોન્ચ

અમદાવાદ,તા.૧૨ : ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ની વેબસાઈટને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને અપગ્રેડ કરીને કેટલાંય નવાં ફીચર્સ સાથે લોંચ કરવામાં આવી છે. જો કે, આ વેબસાઈટ પર તેના જૂનાં ફીચર્સ પણ અસ્તિત્વમાં રહેશે જ. આ ઉપરાંત વેઈટિંગ લિસ્ટ વગેરેનું અનુમાન લગાવવાનાં ખાસ ફીચર્સ પણ તેમાં જોડી દેવામાં આવ્યા છે. હાલની વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. આઇઆરસીટીસી.કો.ઇન પર લોગ ઈન કરવાથી ડાબી તરફ ટ્રાય ન્યુ વર્ઝન ઓફ વેબસાઈટ તેવું લખેલા લાલ કલરના બોક્સને ક્લીક કરવાથી વેબસાઈટનું બેટા વર્ઝન ખુલશે. જેમાં ટ્રેનોમાં ઉપલબ્ધ કન્ફર્મ ટિકિટની જાણકારી મળશે. લોકોના અભિપ્રાય જાણ્યા બાદ વેબસાઈટનું ફાઈનલ વર્ઝન અપડેટ કરાશે. આઈઆરસીટીસીની નવી વેબસાઈટ પર ટ્રેન અંગે સર્ચ કરી શકાય છે. આ માટે જૂની વેબસાઈટની જેમ લોગ ઈન કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત આઈઆરસીટીસીની વેબસાઈટને નવો લુક આપવામાં આવ્યો છે. નવી વેબસાઈટ અત્યંત આકર્ષક અને યુઝર્સ ફ્રેન્ડલી છે. આઈઆરસીટીસીની વેબસાઈટ પર હવે મેનુ અંગે ટ્રેન કેટેગરીથી બુક ટિકિટ, કેન્સલ ટિકિટ, પીએનઆર ઈન્ક્વાયરી, ટ્રેન શિડ્યૂલ અને ટ્રેક યોર ટ્રેન જેવા વિકલ્પ પસંદ કરી શકાય છે. ટ્રેન નંબર, ટ્રેનનું નામ, સ્ટેશન વચ્ચેનાં અંતર, આગમન અને નિર્ગમનનો સમય અને પ્રવાસનો સમય વગેરે માહિતી પણ આ વેબસાઈટ પર મળી શકશે. આ માહિતી એક જ પેજમાં ઉપલબ્ધ બનશે, જે માટે અગાઉ જુદા જુદા પેજમાં જવું પડતું હતું. વેટલિસ્ટ પ્રેડિકશન ફીચરને નવી વેબસાઈટ સાથે જોડવામાં આવ્યું છે અને તેના દ્વારા યુઝર્સ વેટલિસ્ટેડ અને આરએસી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના અંગે સર્ચ કરી શકશે. આમ રોજબરોજ ટ્રેનમાં મુસાફરી કરતાં અથવા તો રેલ્વેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આ વેબસાઇટ ઘણી ઉપયોગી અને મદદરૂપ બની રહેશે.

(9:29 pm IST)