ગુજરાત
News of Thursday, 13th May 2021

કાલથી સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રહેશે

18 થી 45 વયજૂથમાં જેમને એસએમએસ મળ્યા છે તેમને રસીકરણ ચાલુ : કેન્દ્રની ગાઇડલાઇન મુજબ બે ડોઝ વચ્ચેનો સમયગાળો રી શેડ્યુઅલ કરાશે

અમદાવાદ : ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે
આરોગ્ય અગ્ર સચિવએ જણાવ્યું છે કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14 મે 2021 થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે
ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં  આવશે
18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે

(8:06 pm IST)